Surat: ધોધમાર વરસાદ, ડભોલી બ્રિજ પર હિલ સ્ટેશન જેવો નજારો; કતારગામમાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ
સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. વાહનચાલકો લાઇટ ચાલુ કરી વાહનો ચલાવવા મજબૂર બન્યા છે.

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, અનેક સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરી છે જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે વરસાદને લઈને ભાવનગર, રાજકોટ, દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ડભોલી બ્રિજ પર હિલ સ્ટેશન જેવો નજારો
સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. વાહનચાલકો લાઇટ ચાલુ કરી વાહનો ચલાવવા મજબૂર બન્યા છે. શહેરમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હોવાથી અંધારપટ જેવી સ્થિતિ છે. વરસાદના કારણે ડભોલી બ્રિજ પર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો.

વરસાદી પાણીમાં ફસાઈ સ્કૂલ બસ
વરસાદમાં સુરત ફરી પાણી પાણી થયું છે. કતારગામ, વેડરોડ સહિતના વિસ્તારોમાં પાણી છે. કતારગામ-વડલા સર્કલ વિસ્તારમાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ હતી. મનપાની પ્રિ-મોનસૂનની કામગીરીના દાવા વરસાદી પાણીમાં ડૂબી ગયા છે. સુરત શહેરની સાથે ગ્રામ્યમાં પણ વરસાદ છે. કામરેજ અને સુરત શહેરમાં સવા સવા ઈંચ વરસાદ વરસ્યો, થોડા જ વરસાદમાં વેડરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.
ગઈકાલે સુરતમાં પડેલા વરસાદ અને ખાડીના પાણીના કારણે ખાડી કિનારે પુણા- કુંભારિયા વિસ્તારમાં બનેલી સારથી રેસીડેન્સી ની પાર્કિંગની દિવાલ તુટીપ ડી હતી. આ દિવાલ તુટી પડતાં પાર્કિંગમાથી ત્રણ બાઈક અને ત્રણ કાર ખાડીમાં પડી ગયા હતા. આ ઘટનામાં વાહનોને નુકસાન થયું હતું.

24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગર તાલુકામાં સૌથી વધુ સાડા ઈંચ વરસાદ ખાબક્યો છે. 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં મેઘતાંડવ થયુ છે ત્યારે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 69.97 ટકા વરસાદ વરસ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછો 53 ટકા વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાને પાણી પૂરૂ પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો.



















