Surat Rain: સુરત શહેરમાં આભ ફાટ્યું, 5 ઈંચ વરસાદ ખાબકતા શાળાઓમાં રજા જાહેર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

સુરત: હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારથી 5 ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટ, રાંદેર,અડાજણ,પાલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વરાછા અને ડોભોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
રાજ્યના 44 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 12.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મામાં 11 ઇંચ, દાતામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે સાબરકાંઠાના 3 અને બનાસકાંઠાનો એક સ્ટેટ હાઇવે બંધ રહેતા વાહનવ્યવહારને અસર થઈ છે. ભારે વરસાદને લઈ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.
25 જૂન સુધી ભારે વરસાદી આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં હાલ મોનસૂન સતત સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટફ રેખા ઓફ શૉરેખા સક્રિય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ 27 તારીખ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનુ અનુમાન છે. તો 24 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે. 24 બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે, 27 બાદ ફરી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.
આગામી ત્રણ કલાક વરસાદની આગહી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.





















