'ઉમેદવાર પસંદ ના હોય તો પણ તમે મત ભાજપને આપજો, પીએમ મોદીને જોજો.....' - સીઆર પાટીલની લોકોને વિચિત્ર સલાહ
લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે, ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો ગુજરાતમાં એક્શન મૉડમા આવ્યા છે, ત્યારે ભાજપે ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે
Lok Sabha Election 2024: લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે, ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો ગુજરાતમાં એક્શન મૉડમા આવ્યા છે, ત્યારે ભાજપે ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે. ગઇકાલે સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મોટી સલાહ આપી છે, તેમને કહ્યું કે, સ્થાનિક ઉમેદવારને નહીં તમે પીએમ મોદીને જોઇને મત આપજો.
લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગઇકાલે એક સભા દરમિયાન ગુજરાતના મતદારોને મોટી સલાહ આપી છે, તેમને સુરતમાં એક જાહેર મંચ પરથી ઉમેદવારને નહીં પરંતુ પીએમ મોદીને મત આપવાની અપીલ કરી છે.
ગઇકાલે સીઆર પાટીલે સુરતમાં ડૉક્ટર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સંબોધન દરમિયાન ચૂંટણી પ્રચાર કર્યો હતો, સીઆર પાટીલ કહ્યું કે, ઉમેદવારને નહીં PM મોદીને જોઈ મત આપજો. ભાજપના ઉમેદવારને જોઈને નહીં, PMને જોઈ મતદાન કરવું. ઉમેદવાર ભલે પસંદ ના હોય પણ મત PM મોદીને જોઈને જ આપજો. સીઆર પાટીલે વધુમાં આકરા શબ્દોમાં કહ્યું કે, જો ઉમેદવાર કામ ના કરતો હોય તો મને કહેજો, હું PM મોદીને કહીશ કે આ ઉમેદવાર કામ નથી કરતો. મોબાઈલમાં રહેલા કૉન્ટેક્ટ નંબર પર રોજ એક મેસેજ કરો. મિત્ર, સંબંધી તમામને મેસેજ કરીને PMને જીતાડવાનું કહો.
રાજકોટમાં રૂપાલા વિવાદઃ ક્ષત્રિયોની સાખ માટે રૂપાલાની સામે પડેલા પદ્મિનીબા કોણ છે ? સમાજની બહેનોના હિતમાં શું કરી માંગ
રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ મુદ્દે જ ગોંડલના શેમળામાં બેઠક યોજાઇ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ઘારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજસિંહ જાડેજા આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જો કે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબાએ સવાલ ઉઠાવ્યા છે અને રાજકીય રોટલા ન શેકીને સમાજની બહેનોના ન્યાય સામે લડત આપવાનું અનુરોધ કર્યો હતો.
રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ હુંકાર કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે, સમાજની એક જ માગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય કોઈપણને ટિકિટ આપવામાં આવે. જયરાજસિંહ પડકાર કરે છે તો હું પણ પડકાર કરું છું, અમે મળવા તૈયાર છીએ પરંતુ જો ટિકિટ રદ કરવાની વાત થાય તો જ મળવા તૈયાર છીએ. જાણો કોણ છે પદ્મિનીબા.....
જાણો કોણ છે પદ્મિનીબા.....
ક્ષત્રિય લડાયક મહિલા પદ્મિનીબા અત્યારે કરણી સેનાના મહિલા મોરચના અધ્યક્ષ છે, અને રૂપાલા વિવાદને લઇને મેદાનમાં ઉતર્યા છે.
છેલ્લા 5 વર્ષથી રાજપુત મહિલા કરણી સેનાના અધ્યક્ષ
પદ્મિનીબા વાળા જાડેજાના દીકરી છે અને તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલા તણસવા ગામ છે. પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે. સંતાનમાં બે દીકરા છે, જેમનું નામ સત્યજીતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા છે. એક દીકરો ધોરણ 12 બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કરી છે અને નાનો દીકરો ધોરણ 4માં અભ્યાસ કરે છે. પદ્મિનીબા વાળા તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ રાજ શક્તિ મહિલા મંડળ રાજકોટના 10 વર્ષથી અધ્યક્ષ છે. તેમજ ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.
રૂપાલા વિવાદને લઇને શું બોલ્યા પદ્મિનીબા -
પદ્મિનીબા વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે મળેલી બેઠકમાં માત્ર ભાજપના રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા, પરંતુ સમાજ ઉપસ્થિત નહોતો. સમાજના લોકો સાથે મળી સમાધાન માટે વાત કરવાની હોય ભાજપના નેતાઓ સાથે નહીં. ગઈકાલની બેઠકનું સમાધાન અમને મંજૂર નથી. અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, કેમકે સમાજની બહેન-દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી એ યોગ્ય નથી.
પદ્મિનીબાએ વધુમાં આ મુદ્દે જણાવ્યુ કે, જયરાજસિંહ જાડેજાએ મારા ભાઈ છે. પરંતુ આ રાજકારણ સમાજમાં પણ ફાંટા પડાવી રહ્યું છે એ વાતનું અમને દુઃખ છે. જયરાજસિંહે પડકાર કર્યો છે તો હું પણ પડકાર કરું છું, હું પણ મળી બેસીને ચર્ચા કરવા તૈયાર છું. પરંતુ મારી શરત એક જ છે કે ચર્ચા થશે તો માત્રને માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે. આપણી બહેન-દીકરીઓ વિશે બોલ્યા છે, આ સાંખી ન લેવાય. આમાં માફી નહીં સજા જ હોવી જોઈએ અને સજામાં તેમની ટિકિટ રદ થાય એ જ અમારી માગ છે.