‘પૈસા તો આપી દીધા પછી કેમ રેડ પાડી...’ – સુરતમાં બુટલેગર અને પોલીસ વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ
સચિન GIDC વિસ્તારમાં દારૂના રેડ દરમિયાન મહિલા બુટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાંચ આપ્યાનો દાવો, ઘટનાનો વિડીયો વાયરલ

Surat bootlegger news: સુરતના સચિન GIDC વિસ્તારના ગભેણી ગામમાં પોલીસ અને મહિલા બુટલેગર વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપી થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ બુટલેગરના ઘરે દારૂના રેડ કરવા પહોંચી હતી. મહિલા બુટલેગર, જેની ઓળખ નયના તરીકે થઈ છે, તેણે પોલીસ સાથે દલીલબાજી કરી અને દાવો કર્યો કે તેણે લાંચ આપી હોવા છતાં પોલીસ રેડ કરવા આવી છે.
ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે એક પોલીસકર્મી કોઈને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મહિલા બુટલેગરે તેનો ફોન ઝુંટવીને જમીન પર પછાડી તોડી નાખ્યો હતો. બૂટલેગર દ્વારા સતત એક જ વાત કહેવામાં આવી રહી હતી કે કે પૈસા આપી દીધા છે છતાં તમે કેમ રેડ કરવા આવો છો.
આ ઘટના બાદ સ્થિતિ વધુ તંગ બની હતી અને પોલીસ અને બુટલેગરના મળતિયાઓ વચ્ચે શારીરિક ઝપાઝપી થઈ હતી.
મળતી માહિતી મુજબ, સચિન GIDC પોલીસને ગભેણી ગામમાં મહિલા બુટલેગરના ઘરે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રેડ દરમિયાન 118 લીટર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે મહિલા બુટલેગર નયના અને તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. વિડીયોમાં મહિલા બુટલેગર અને તેના સાથીઓ પોલીસ સાથે જે રીતે વર્તન કરી રહ્યા છે, તેનાથી લોકોમાં આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. હાલમાં એ જોવાનું રહેશે કે આ મામલામાં પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કેવી રીતે જાળવી રાખવામાં આવે છે.
આ પણ વાંચો....
દિલ્હીની હાર બાદ ભાજપ શાસિત રાજ્યમાં AAP ની પ્રથમ મોટી સફળતા; સ્થાનિક ચૂંટણીમાં થઈ જીત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
