સુરતઃ ડિઝાઇનર પતિએ પત્નીનું ગળુ દબાવી કરી હત્યા, પોલીસથી બચવા શું બનાવ્યો હતો પ્લાન?
આ કેસમાં અડાજણ પોલીસે પ્રતિભાબેનની ફરિયાદ લઈને રજનીકાંત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
સુરતઃ સુરતમાં અડાજણમાં એક પતિએ પત્નીની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં ટેક્સટાઈલ ડિઝાઈનર પતિએ પત્નીની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે. ટેક્સટાઇલ ડિઝાઇનરે ઘર કંકાસમાં પત્નીની હત્યા કરી હતી. પત્નીની હત્યા બાદ પકડાઇ ના જવાય તે માટે પુરાવાનો નાશ કરી હત્યાને આત્મહત્યામાં ખપાવવા આરોપીએ તમામ સંબંધીઓને ફોન કરીને પત્નીએ આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે મૃતકની હત્યા કરવામાં આવી છે અને તે પણ તેના પતિએ માર માર્યા બાદ ગળે ટુંપો આપી કરી છે. આ કેસમાં અડાજણ પોલીસે પ્રતિભાબેનની ફરિયાદ લઈને રજનીકાંત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. અડાજણ માધવ પાર્કમાં 51 વર્ષીય રજનીકાંત છીતુભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની રાજેશ્રીબેન અને 17 વર્ષીય દીકરો જેસસ છે. રજનીકાંત ટેક્સટાઈલ ડિઝાઈનર છે.
રજનીકાંત શંકાશીલ સ્વભાવનો હોવાથી નાની-નાની વાતે રાજેશ્રીબેન સાથે ઝગડો કરતો હતો. તે નાની-નાની વાતે રાજેશ્રીબેન પર શંકા કરતો હતો. ભાઈબીજના દિવસે બપોરે રજનીકાંતે જેસિસને એક રૂમમાં પુરી દીધો હતો. ત્યાર બાદ રાજેશ્રીબેન સાથે ઝગડો કરીને મૂઢ માર માર્યો હતો. ત્યાર બાદ રજનીકાંતે રાજેશ્રીબેનને કોટનની દોરીથી ફાંસો આપીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ રજનીકાંતે તમામ સંબંધીઓને ફોન કરીને જાણ કરી કે રાજેશ્રીબેને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જલદીથી આવો સંબંધીઓ આવે તે પહેલાં આરોપી રજનીકાંતે લોહી વગેરે સાફ કરીને પુરાવાનો નાશ કરી નાખ્યો હતો. જોકે પોલીસને શંકા જતા પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં રાજેશ્રીબેનને માર મારી ટૂંપો આપીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો હતો. અડાજણ પોલીસે પ્રતિભાબેનની ફરિયાદ લઈને રજનીકાંત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે રાજેશ્રીની હત્યા કર્યા બાદ તેની બોડીને વાળથી ખેંચીને નીચે હોલમાં લાવી પુરાવાઓનો નાશ કર્યો.