સુરત હીરા ચોરીનો ભાંડો ફૂટ્યો: ₹32 કરોડની ચોરીનું નાટક, ફરિયાદી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, ₹20 કરોડનો વીમો પકવવા રચ્યું હતું તરકટ
₹32 કરોડથી વધુની કિંમતના હીરાની ચોરીનો કેસ શરૂઆતમાં એક મોટી ગુનાહિત ઘટના લાગતો હતો, પરંતુ પોલીસની સઘન તપાસથી તેની પાછળનું કાવતરું બહાર આવ્યું છે.

Surat diamond theft case 2025: સુરતના હીરા ઉદ્યોગમાં ચકચાર મચાવનાર ₹32 કરોડની હીરા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ચોંકાવનારા કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ ચોરી એક આયોજિત નાટક હતું અને ખરેખર કોઈ હીરાની ચોરી થઈ જ નથી. આશ્ચર્યજનક રીતે, આ ચોરીનો માસ્ટરમાઇન્ડ કોઈ બહારનો શખ્સ નહીં, પરંતુ ખુદ ફરિયાદી અને કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ નીકળ્યો છે. તેણે ₹20 કરોડનો વીમો મેળવવા માટે આ તરકટ રચ્યું હતું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી D.K. & Sons ડાયમંડ કંપનીમાં ₹32.48 કરોડની હીરા ચોરીનો કેસ એક મોટા યુ-ટર્ન પર આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરીનું નાટક કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ પોતાના મોટા દેવા અને ₹20 કરોડનો વીમો મેળવવા માટે રચ્યું હતું. તેણે પોતાના પુત્ર અને અન્ય 5 લોકો સાથે મળીને આ ચોરીનું નાટક કર્યું, જેના માટે તેમને ₹10 લાખનો કરાર કર્યો હતો. કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.
ચોરીનું કાવતરું અને માસ્ટરમાઇન્ડ
17 ઓગસ્ટની રાત્રે, D.K. & Sons ડાયમંડ કંપનીમાં ચોરીની ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ ₹32 કરોડના હીરા અને ₹5 લાખ રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં 5 ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા અને ગેસ કટરથી તિજોરી કાપીને ચોરીને અંજામ આપ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, પોલીસને શરૂઆતથી જ આ ઘટના શંકાસ્પદ લાગી હતી.
સઘન તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ સમગ્ર કાવતરું ખુદ માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીનું હતું. તેણે પોતાના વધી ગયેલા દેવાના કારણે આ તરકટ રચ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેણે આ નાટક કરવા માટે 10 દિવસ પહેલા જ ₹20 કરોડનો વીમો લીધો હતો.
પુત્ર પણ કાવતરામાં સામેલ
પોલીસ સૂત્રો અનુસાર, આ નાટક પાર પાડવા માટે દેવેન્દ્રએ પોતાના પુત્ર પિયુષને જ ગેસ કટરથી તિજોરી કાપવા મોકલ્યો હતો. તિજોરીમાં કોઈ હીરા રાખવામાં આવ્યા ન હતા, પરંતુ માત્ર ચોરીનું નાટક કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુનાહિત તરકટમાં અન્ય 5 લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેમને ₹10 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમાંથી ₹5 લાખ એડવાન્સમાં ચૂકવી દેવાયા હતા અને બાકીના ₹5 લાખ બાકી હતા.
પોલીસે આ સમગ્ર કેસનો પર્દાફાશ કરીને ફરિયાદીને જ આરોપી તરીકે ઓળખી કાઢ્યો છે. આ ઘટનાથી હીરા ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આટલા મોટા ટર્નઓવર (આશરે ₹300 કરોડ) ધરાવતો વેપારી શા માટે આવા કૃત્યનો સહારો લે છે. હાલમાં, પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે કે દેવું કઈ હદ સુધી વધી ગયું હતું અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે.





















