Surat: સુરતના પાલમાં સ્પા સંચાલકની દાદાગીરી, પગાર લેવા ગયેલી યુવતી સાથે કરી મારામારી
Surat: સુરતમાં સ્પામાં મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો
Surat: સુરતમાં સ્પામાં મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના પાલ ગામમાં સ્પામાં મહિલાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરના સંચાલક પિયુષ ગાંધીએ મહિલાને માર માર્યો હોવાનો આરોપ છે. મહિલાએ 15 દિવસનો બાકી પગાર માંગતા પિયુષ ગાંધીએ મહિલાને માર માર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.
વીડિયોમાં જોઇ શકાય છે કે સ્પા સંચાલક યુવતીને માર મારી રહ્યો છે. વીડિયોમાં દેખાડી યુવતી ભાગ્ય રત્ના એપાર્ટમેન્ટ ચાલતા સ્પામાં કામ કરતી હતી. આરોપ છે કે, 15 દિવસનો બાકી પગાર લેવા માટે યુવતી સ્પામાં ગઈ હતી. આ સમયે સ્પાના સંચાલક પિયૂષ ગાંધી સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા સ્પાના સંચાલકે યુવતીને માર માર્યો અને બહાર નીકળી જવાની ધમકી આપી હતી. મારામારીની આ ઘટના ત્યાં હાજર એક શખ્સે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. દાવો છે કે, જે સ્પામાં મારામારીની ઘટના બની તે સ્પા ગેરકાયદે ધમધમતુ હતું.
સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં પણ સ્પા સંચાલકની દાદાગીરી સામે આવી હતી. સિંધુભવન રોડ પરના ગેલેક્સી સ્પાના સંચાલકે મહિલાને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. મોહસીન નામના સંચાલકે મહિલાને માર માર્યો હતો. તે મહિલાના વાળ ખેંચીને લાફા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
જોકે પોલીસે આરોપી મોહસિનની ધરપકડ કરી હતી. આ યુવતી આરોપી મોહસિનના સ્પામાં કામ કરતી હતી. બંને વચ્ચે હિસાબના કારણે બોલાચાલી થઇ હતી અને દરમિયાન સ્પાના માલિક મોહસિને યુવતીને ઢોર માર માર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં તેના ફૂટેજ પણ વાયરલ થયા હતા. મોહસીન વિરુદ્ધ IPC 323, 354, 294 અંતર્ગત ગુનો નોંધાયો હતો.