SURAT : એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર હુમલાવર TRB સાજન ભરવાડની અટકાયત
Surat News : ગઈકાલે મેહુલ બોઘરા પર જયારે હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ ફેસબુક લાઈવ કરી રહ્યા હતા જેથી હુમલાની સમગ્ર ઘટના ફેસબુક પર લાઈવ દેખાઈ હતી.
Surat : સુરતમાં ચર્ચાનો વિષય બનેલા એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB સાજન ભરવાડની અટકાયત કરવામાં આવી છે. TRB અને મળતીયાઓ દ્વારા ગઈકાલે 18 ઓગસ્ટે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાનો કરવામાં આવ્યો હતો.
સરથાણા પોલીસે TRB જવાન વિરુદ્ધ 307 મુજબની ફિરયાદ નોંધી છે. હુમલાનો વિડીયો ફેસબુક પર લાઈવ કરાયો હતો. હાલ એડવોકેટ મેહુલ બોઘરા સ્મિમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હુમલાની સમગ્ર ઘટના ફેસબુક પર લાઈવ દેખાઈ હતી
ગઈકાલે મેહુલ બોઘરા પર જયારે હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ ફેસબુક લાઈવ કરી રહ્યા હતા જેથી હુમલાની સમગ્ર ઘટના ફેસબુક પર લાઈવ દેખાઈ હતી. ઘટના બાદ મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનમાં હોબળો કરવામાં આવ્યો હતો.પાસ નેતા અલ્પેશ કથરીયા સહિત વકીલો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
કલમ 307 મુજબ નોંધાઈ ફરિયાદ
એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ગઈ કાલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હુમલાવર વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. હુમલો કરનાર વિરુદ્ધ કલમ 307 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં પોલીસ દ્વારા કલમ 307 મુજબ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
જે બાદ સરથાણા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. એડવોકેટ અને વિવિધ સંગઠનો દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રામ ધૂન બોલવવામાં આવી હતી. આખરે પોલીસે 307 મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પાસ નેતા અલ્પેશ કથીરીયાએ અપીલ કરી લોકોને ઘરે રવાના કર્યા હતા.
શું હતી ઘટના?
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અડવોકેટ મેહુલ બોધરા ટેમ્પો રોકી હપ્તો લેતા મળતીયાઓનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર જીવલેણ હુમલો થયો હતો. મેહુલ બોધરાનો આરોપ છે કે પોલીસના કેટલાક મળતીયા હપ્તાખોરી કરે છે. જેનો પર્દાફાશ કરવા ગયા હતા ત્યાં અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. એડવોકેટ મેહુલ બોઘરા ઉપર કહેવાતા પોલીસના મળતીયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.