સુરતના રાંદેરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ, અભ્યાસ માટે પૈસા ન હોવાથી દેહવ્યાપારના દલદલમાં ફસાઈ વિદ્યાર્થીની
સુરતના રાંદેરમાં ઝડપાયેલા સેક્સ રેકેટમાં મોટા ખુલાસા થયા હતા. દેહવ્યાપાર કરાવનાર એજન્ટ અને હોટલ સંચાલકની પોલીસે ધરપકડ કરી છે.

સુરતના રાંદેરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં ઝડપાયેલા સેક્સ રેકેટમાં મોટા ખુલાસા થયા હતા. વી સ્કવેર શોપિંગ મોલમાં આવેલી હોટલ કોવમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. યુવતીઓને લાવી દેહવ્યાપાર કરાવનાર એજન્ટ અને હોટલ સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે દેહવ્યાપાર માટે લાવવામાં આવેલી ચાર યુવતીઓને મુક્ત કરવામાં આવી છે. ચાર પૈકી એક યુવતીની ઉંમર તો ફક્ત 21 વર્ષની જ છે. જે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે. યુવતી પાસે ફી ભરવાના પૈસા ન હોવાથી દેહવ્યાપારના દલદલમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે.
બાતમીના આધારે મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચને 2 નવેમ્બરે હોટલમાં રેડ કરી હતી. રેડ દરમિયાન હોટલના રૂમમાંથી કૂલ ચાર યુવતીને મુક્ત કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ, રોકડ સહિત કૂલ 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સેક્સ રેકેટ ચલાવવા બદલ પોલીસે દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ અને હોટલ સંચાલક પીયુષ દેસાઈની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દલાલ રતન હોટલમાં મહિલાઓને રાખીને ગ્રાહકોનો સંપર્ક કરતો અને ગ્રાહકો પાસેથી પૈસા વસુલીને આર્થિક લાભ મેળવતો હતો. જ્યારે હોટલ સંચાલક પિયુષ હોટલના રૂમની વ્યવસ્થા કરીને ભાડુ વસૂલતો હતો.
રેસ્ક્યૂ કરાયેલી ચાર યુવતીમાંથી એક યુવતી 21 વર્ષની વિદ્યાર્થિની છે અને તે નોઇડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયાર છે, જોકે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકઠી કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહવ્યાપારના ધંધામાં ફસાઈ ગઈ હતી. અન્ય ત્રણ યુવતીઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી. પોલીસે આ તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું છે. આ બંને આરોપી વિરુદ્ધ પોલીસે ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ છે, જે મહિલાઓને અલગ-અલગ શહેરોમાંથી બોલાવી હોટલમાં રાખતો હતો. તે ગ્રાહકો સાથે સંપર્ક કરીને શરીર સુખ માટે પૈસા વસૂલી મહિલાઓને ભાગ આપતો અને પોતાનો મોટો હિસ્સો રાખતો હતો.





















