સુરતવાસીઓ પનીર ખાતા પહેલા સાવધાન! પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ, કોર્ટમાં દાખલ થશે કેસ
આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે. આ તમામ સંસ્થાઓ વિરૂદ્ધ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Surat: સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી પનીરના 15 સેમ્પલ લીધા હતાં, તેમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ 10 ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.
ત્રણ અઠવાડિયા પહેલાં ભાવનગરમાં મોટાપાયે નકલી પનીરનું ઉત્પાદન કરી શહેરોમાં વેચાણ કરાતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પાલિકાએ 1600 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પનીરના સેમ્પલ લેવા માટેની ઝૂંબેશ છેડાઈ હતી. સુરત પાલિકાના ફૂડ વિભાગે પણ પખવાડિયા પહેલા પનીર સેમ્પલ લીધા રા. ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારની 15 ડેરીઓમાં આરોગ્યલક્ષી દરોડા પાડી પનીરની ગુણવત્તા ચકાસવા માટે 15 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.
જોકે પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે. આ તમામ સંસ્થાઓ વિરૂદ્ધ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની કઈ સંસ્થાઓના પનીરના સેમ્પલ ફેલ થયા...?
- કનૈયા ડેરી ફાર્મ - 1 (મોટા વરાછા)
- જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ)
- ઇન્ડિયા ડેરી (ઉધના)
- શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા)
- શૈલેષ છગનભાઈ પટેલ (ખટોદરા)
- શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (પાંડેસરા)
- ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા)
- સુખસાગર ડેરી (આંજણા)
- સુરભી ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજન)
- નૂરાની ડેરી ફાર્મ (સગરામપુરા)
શુદ્ધ પનીર અને નકલી પનીર વચ્ચેનો તફાવત
શુદ્ધ પનીર મુલાયમ સપાટીવાળુ અને નરમ તેમજ રંગ એકદમ સફેદ હોય છે. તેની સપાટી મુલાયમ અને બારીક કણવાળી જણાશે. જો તેને મસળવામાં આવે તો તે ભૂકો થાય તે રીતે તૂટશે નહીં. તેની સુગંધ અને સ્વાદ પણ દૂધ જેવો જ આવશે. બનાવટી પનીર થોડું નક્કર અને રબર જેવું લાગે છે, રંગ સંપૂર્ણ સફેદ નથી હોતો, હલકો પીળો જેવો રંગ લાગે. ખાવાનો સોડા ઉમેરવાને કારણે તેને હળવું મસળવામાં આવે તો પણ ભૂકો થાય તે રીકે તૂટી જાય છે. તેની ગંધ પણ દૂધ જેવી નહીં પણ થોડી વિચિત્ર લાગશે. સ્વાદ થોડો અજૂગતો લાગશે. સલ્ફ્યુરિક એસિડને લીધે ક્યારેક ધુમાડા જેવી ગંધ પણ અનુભવી શકાય.