Surat: સુરત મહાનગરપાલિકાનું 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વેરામાં વધારો ન કરાતા લોકોને રાહત
Surat: સુરત મહાનગરપાલિકાનું 8 હજાર 718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું
Surat:સુરત મહાનગરપાલિકાનું 8 હજાર 718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 870 કરોડનો વધારો થયો હતો.
જોકે, વેરામાં કોઈ વધારો ન કરી મહાનગરપાલિકાએ સુરતવાસીઓને રાહત આપી હતી. સ્વચ્છતા ક્ષેત્રે નંબર વન આવેલા સુરત શહેરમાં હવે નવા વિકાસના કામો પર વધુ ભારે મુકાશે. નવા વિકાસ કાર્યો માટે બજેટમાં 4 હજાર 121 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી.આ વર્ષે પહેલીવાર મહાનગરપાલિકાની રેવેન્યુ આવક પાંચ હજાર કરોડને પાર પહોંચશે. તો રેવેન્યુ ખર્ચ પણ 4 હજાર 597 કરોડ રહેવાનો અંદાજ છે.
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અનુસાર, પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બ્રિજના નિર્માણ માટે 165 કરોડ ફાળવાયા છે જ્યારે કતારગામમાં નવું ઓડિટોરિયમ બનાવાશે.
વડોદરા મનપાનું 5327 કરોડનું ડ્રાફ્ટ બજેટ
બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાનું 5 હજાર 327 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિ સમક્ષ વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ગયા વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 497 કરોડનો વધારો કરાયો હતો. 2500 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચાશે. પોઈચા ફાજલપુર ખાતે 300 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે.
નંદેસરી GIDCમાં 75 કરોડના ખર્ચે ટ્રીટેડ પાણી સપ્લાય પ્લાન્ટ બનશે. આ ઉપરાંત નેશનલ હાઈવેની સમાંતર 11 કરોડના ખર્ચે વરસાદી ગટર ચેનલ નંખાશે. માણેજામાં 150 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનશે. આ ઉપરાંત 7થી વધુ ફ્લાયઓવર અને ડભોઈ રોડથી પ્રતાપનગર તરફનો રસ્તો 62 કરોડના ખર્ચ નવો બનશે. પાર્કિંગની સમસ્યા ઉકેલવા અલકાપુરીમાં 10 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ ઉભુ કરાશે.