Surat: ગળામાં નાળ લપેટાયેલી અવસ્થામાં ભ્રૂણ મળતાં મચી ગઈ ચકચાર, CCTVમાં કેદ થયા મહિલા-પુરુષ
Surat News: પોલીસે ભ્રૂણનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું.ગોડાદરામાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Surat News: સુરતમાં ત્રણ માસનું ભ્રૂણ મળતાં ચકચાર મચી ગઈ છે. લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે બનાવ બન્યો હતો. CCTV કેમેરામાં મહિલા-પુરુષ દેખાયા હતા. ગળામાં નાળ લપેટાયેલી અવસ્થામાં ભ્રૂણ મળતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ભ્રૂણનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું.ગોડાદરામાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતી ખમણ હાઉસનો માલિક દારૂની ખેપ મારતાં ઝડપાયો
ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ દારૂ ઝડપાઈ રહ્યો છે. દારૂબંધીનો લાભ લઈ પડોશી રાજ્યમાંથી દારૂ લાવવા ખેપીયા અવનવા કિમીયા અપનાવતા હોય છે. સુરતમાં અડાજણ સુરતી ખમણ હાઉસનો માલિક હર્ષ ઠક્કર દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. પોલીસની આંખમાં ધૂળ નાંખવા કેમિકલના કેન અને પાણીના ટાંકાના ચોર ખાનામાં દારૂ લવાતો હતો. PCB પોલીસએ બાતમીના આધારે હર્ષ ઠક્કર સહીત 2.23 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમને ઝડપી પાડ્યા હતા. પીસીબી ટીમે અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીજી આર્કેડ સામે સુરતી ખમણ નામની દુકાન સામે પાર્ક કરાયેલી પીકઅપ વાનને આંતરી હતી. પાછળ લોડિંગની બોડી છુટી કરી તેની નીચે ચોરખાનું બનાવી મોટા પાયે દારૂ સંતાડીને લાવવામાં આવ્યો હોવાની માહિતી બાદ બોડી છુટી કરવામાં આવતાં નીચેથી દારૂનો જથ્થો મળ્યો હતો. લોડિંગમાં નાના કેન જોવા મળ્યા હતા. કેમિકલ ભરવા માટે વપરાતા એર ટાઇટ કેનની એક તરફ પ્લાસ્ટિક ચોંટાડવામાં આવ્યું હતું. જે ખસેડતાં તેમાંથી દારૂની બોટલ્સ મળી આવી હતી. પોલીસે 1.97 લાખની કિંમતની 353 નંગ દારૂની બોટલ અને પીકઅપ વાન કબજે કરી સુરતી ખમણના નામે દુકાન ચલાવતાં હર્ષ ઠક્કર, કામરેજના સરોડ ઉક્ફે છોટુ લલ્લન યાદવ અને સેલવાસના ઓલ્ટન ફળીયામાં રહેતા ઝલારામ બાબુલાલ બિસ્નોઈની ધરપકડ કરી કુલ 2.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક 15 હજારને પાર
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. બધે કાટમાળ પથરાયેલો છે અને બુમરાણ હજુ પણ ચાલુ છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશોમાં મૃત્યુઆંક 15,000ને વટાવી ગયો છે. તે જ સમયે, ઘાયલોની સંખ્યા 60 હજારથી વધુ છે. આ સિવાય હજારો ઈમારતો ધરાશાયી થયા બાદ હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ જવાની આશંકા છે. તુર્કી-સીરિયા સહિત અન્ય ઘણા દેશોમાં સોમવારે (6 ફેબ્રુઆરી)ના રોજ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે જ સમયે, અસરગ્રસ્ત વિસ્તારોમાં 150 થી વધુ આફ્ટરશોક્સનો સામનો કરવો પડ્યો હતો. તુર્કીથી છેક ગ્રીનલેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.