Surat: સુરતમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની કાર્યવાહી, રાંદેરમાં ચાર કરોડના MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
છેલ્લા 24 કલાકમાં સુરત, અમદાવાદમાંથી કરોડો રૂપિયામાં એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે
રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરત, અમદાવાદમાંથી કરોડો રૂપિયામાં એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. સુરતમાં પોલીસે 24 કલાકમાં ત્રણ સ્થળો પર દરોડા પાડી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યુ છે. SOGને માહિતી મળી હતી કે રાંદેરમાં ત્રણ શખ્સો પાસે નશાનો સામાન છે. જે બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે તપાસ કરતા ચાર કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. ગઈકાલે પણ પોલીસે અલગ અલગ બે સ્થળો પર દરોડા પાડી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
સુરતમાંથી પકડાયેલા રાજસ્થાનીની પૂછપરછના આધારે પોલીસે રાજસ્થાનમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતું અને અંદાજે આઠ કરોડ રૂપિયાની કિંમતનો એમ.ડી ડ્રગ્સ બનાવવાનો રો-મટીરીયલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, સુરતની લાજપોર જેલમાં બંધ આરોપી સુનિલ કૌશિક જેલમાં જ બેઠાં બેઠા આ ડ્રગ્સ રેકેટ ઓપરેટ કરી રહ્યો હતો. પોલીસે 19 સપ્ટેમ્બરે સુનિલ કૌશિક અને તેના પિતા ગજાનંદ શર્મા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ કરતા કરતા રાજસ્થાનના પાલી સુધી પહોંચી હતી. જ્યાંથી ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલ મળી આવ્યુ હતું. સાથે પોલીસે અશ્વિન મુલાણી, ગજાનંદ શર્મા સહિત વધુ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી છે.
એટલુ જ નહી તપાસમાં એ પણ ઘટસ્ફોટ થયો કે ડ્રગ્સ કેસના આરોપીનું કનેક્શન સીમીના સક્રિય કાર્યકર્તા સાથે છે. સુરતમાં 2008માં બોમ્બ પ્લાન્ટ કેસના આરોપીનો સગો ભાઇ આ ડ્રગ્સ કેસમાં આરોપી છે.
અમદાવાદમાં પણ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જપ્ત કરાયેલા એમ.ડી ડ્રગ્સની કિંમત એક કરોડથી વધુ હોવાનું માનવામા આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે બે જુદા જુદા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને ત્રણ ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરી હતી જ્યારે પાંચ આરોપી ફરાર થઇ ગયા છે.
પોલીસની કાર્યવાહીમાં ખુલાસો થયો કે, બંને દરોડામાં ડ્રગ્સ રાજસ્થાનથી આવ્યુ હતુ. આરોપી રાજસ્થાથી ગુજરાત લાવી આ ડ્રગ્સનું વેચાણ કરતા. જે 3 આરોપી પકડાયા છે. તેમાં એક ઝાકીર નામનો આરોપી 6 મહિનામાં 50થી વધુ વાર ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી ચૂક્યો છે. પોલીસની તપાસમાં રાજસ્થાનના ડ્રગ્સ સપ્લાયર આરીફ ઉર્ફે દીપુનું નામ પણ સામે આવ્યુ છે. ક્રાઇમ બ્રાંચે તેને પકડવા પણ તપાસ હાથ ધરી હતી.