Surat: બે વિધર્મી યુવકોએ સગીરાને ફોન કરી ગાર્ડનમાં મળવા બોલાવી અને....
સગીરાને ફોન કરીને ડિંડોલીમાં આવેલા ગાર્ડનમાં મળવા બોલાવી હતી
સુરતમાં ધોરણ 11મા ભણતી વિદ્યાર્થીની બે વિધર્મી યુવકોએ છેડતી કર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના ડિંડોલીમાં ધોરણ 11મા ભણતી વિદ્યાર્થીનીની બે વિધર્મી યુવકોએ ગાર્ડનમાં છેડતી કરી હતી. ડિંડોલી પોલીસે આ મામલે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સગીરાની છેડતી કરનાર જહેરૂદ્દીન ઉર્ફ શાહિદ સૈયદ અહમદ અને માજીદ મુસ્તાક અંસારીની ધરપકડ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી જહેરૂદ્દીને સગીરાને ફોન કરીને ડિંડોલીમાં આવેલા ગાર્ડનમાં મળવા બોલાવી હતી. જેના કારણે સાંજના સમયે સગીરા રિક્ષામાં બેસીને ગાર્ડનમાં ગઇ હતી. ગાર્ડનમાં સગીરાએ જોયુ કે જહેરૂદ્દીન અને તેનો મિત્ર માજીદ અગાઉથી ગાર્ડનમાં બાંકડા પર બેઠા હતા. જોકે વાતચીત દરમિયાન અચાનક જહેરૂદ્દીને સગીરા સાથે શારિરીક અડપલા શરૂ કર્યા હતા. સગીરાએ તેનો વિરોધ કરતા માજીદે પણ બળજબરીપૂર્વક સગીરાનો હાથ પકડ્યો હતો અને તેની છેડતી કરવા લાગ્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓથી બચવા માટે સગીરાએ પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગાર્ડનમાં વોકિંગ કરવા આવેલા એક જાગૃત વ્યક્તિએ સગીરાની મદદ કરી હતી અને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવી હતી. બાદમાં બંન્ને યુવકોને પકડીને ડિંડોલી પોલીસને જાણ કરી હતી. સગીરા ધોરણ 11મા અભ્યાસ કરે છે અને આરોપી જહેરૂદ્દીન તેની સ્કૂલમાં અગાઉ ભણતો હતો. હાલમાં પોલીસે બંન્ને યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના વરાછા હત્યાની ઘટનાનો થયો પર્દાફાશ
સુરતના વરાછામાં થયેલી હત્યાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં માત્ર નજીવી બાબતે ચપ્પુ ચલાવતા બંને સગાભાઇએ એક યુવકની હત્યા કરી દીધી હતી. વરાછા પોલીસે બંનેની ધરપકડ કરી છે. સુરતના વરછા વિસ્તારમાં ચપ્પુના ઘા મારનાર સગા બે ભાઈઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે. માત્ર બે રૂપિયાની બબાલમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. પાનના ગલ્લા પર થયેલ બબાલમાં સામ સામે હુમલો કરવામાં આવ્યો હતો.સિગારેટના પૈસા બાબતે બબાલ થતા બંને સગા ભાઇઓએ યુવકને ચપ્પુ મારી દીધું. ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પહેલા 10 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.