(Source: ECI/ABP News/ABP Majha)
Ukai Dam: ઉકાઇ ડેમમાં પાણી વધ્યું, વરસાદના પ્રથમ રાઉન્ડમાં જળસપાટી 310 ફૂટથી ઉપર પહોંચી
Ukai Dam News: ગુજરાતમાં પુરજોશમાં વરસાદી સિઝન શરૂ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના ડેમ, જળાશળો, નદી અને નાળા છલકાઇ રહ્યાં છે
Ukai Dam News: ગુજરાતમાં પુરજોશમાં વરસાદી સિઝન શરૂ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના ડેમ, જળાશળો, નદી અને નાળા છલકાઇ રહ્યાં છે. હવે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઇ છે. તાપી નદી ઉપર આવેલા ઉકાઇ ડેમમાં અત્યારે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 310.63 ફૂટ પર પહોંચી છે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપી જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની જળસપાટી 310.63 ફૂટ પર પહોંચી છે, અત્યારે ઉકાઈ ડેમમાં 21 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. ડેમમાંથી 600 ક્યૂસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ચોમાસુ સક્રિય થવાના કારણે ડેમમાં છેલ્લા એક સપ્તાહથી સતત પાણીની આવકમાં ધીમે ધીમે વધારો નોંધાઇ રહ્યો હતો. જોકે, ડેમ ગત વર્ષની સરખામણીએ અત્યારની સપાટી ઓછી છે. હાલની ઉકાઈ ડેમની વાત કરવામાં આવે ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે, ગુજરાતના ઉપરના ભાગો ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં પાણીની આવક વધવાથી આજુબાજુમાં સિંચાઇ અને ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહેશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ
રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા આંકડાઓ હવામાન વિભાગે જાહેર કર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમા સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઈંચ, નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં ચાર ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા ચાર ઈંચ, સુરતના મહુવામાં પોણા ચાર ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં ત્રણ ઈંચ, પંચમહાલના ગોધરામાં ત્રણ ઈંચ, સુરતના પલસાણામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત સુરતના સિનોરમાં અઢી ઈંચ, અમરેલી તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ, પાટણના રાધનપુરમાં અઢી ઈંચ, આણંદ તાલુકામાં અઢી ઈંચ, જૂનાગઢના મેંદરડામાં સવા બે ઈંચ, અરવલ્લીના ભિલોડામાં સવા બે ઈંચ, આણંદના તારાપુરમાં સવા બે ઈંચ, નવસારી તાલુકામાં સવા બે ઈંચ, હિંમતનગરમાં સવા બે ઈંચ, વિસાવદરમાં સવા બે ઈંચ, ગારીયાધારમાં સવા બે ઈંચ, લખતરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
તે સિવાય ભાવનગરના જેસરમાં બે ઈંચ, કચ્છના અંજારમાં બે ઈંચ, અરવલ્લીના મેઘરજમાં બે ઈંચ, મહેસાણા તાલુકામાં બે ઈંચ, મહેસાણાના બહુચરાજીમાં બે ઈંચ, કચ્છના મુન્દ્રામાં પોણા બે ઈંચ, વડોદરાના કરજણમાં પોણા બે ઈંચ, અમદાવાદ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઈડરમાં પોણા બે ઈંચ, જલાલપોરમાં પોણા બે ઈંચ, તળાજામાં પોણા બે ઈંચ, ખંભાત, સંતરામપુરમાં પોણા બે ઈંચ, લીંબડીમાં પોણા બે ઈંચ, વઢવાણમાં દોઢ ઈંચ, પાટણના હારીજમાં દોઢ ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ખેડાના ગળતેશ્વરમાં દોઢ ઈંચ,આણંદના પેટલાદમાં દોઢ ઈંચ, ખેડાના વાસોમાં દોઢ ઈંચ, પાટણના સિદ્ધપુરમાં દોઢ ઈંચ, કચ્છના ભૂજમાં દોઢ ઈંચ, કચ્છના ગાંધીધામમાં દોઢ ઈંચ, વડોદરાના સાવલીમાં સવા ઈંચ, ખેડાના મહેમદાવાદમાં સવા ઈંચ, દાહોદના સંજેલીમાં સવા ઈંચ, અમરેલીના જાફરાબાદમાં સવા ઈંચ, બાવળા, પ્રાંતિજ, કોડીનારમાં સવા સવા ઈંચ, વાઘોડીયા, નડીયાદ, ખાનપુરમાં સવા સવા ઈંચ, ખાનપુર, કડાણા, મોરવાહડફમાં સવા સવા ઈંચ, કેશોદ, જામકંડોરણા, ધોળકા, સોજીત્રામાં સવા ઈંચ, સાણંદ, ગાંધીનગર, ગરબાડામાં એક એક ઈંચ, હાંસોટ, વલસાડ, સોનગઢ, સંખેડામાં એક એક ઈંચ નોંધાયો હતો.
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 31.93 ટકા વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીનો 39.74 ટકા, કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 39.10 ટકા, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 37.65 ટકા, ઉ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 21.52 ટકા અને મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 22.26 ટકા વરસાદ નોંધાયો હતો.