(Source: ECI/ABP News/ABP Majha)
મધ્ય ગુજરાતના કયા શહેરમાં ચાર કલાકમાં જ ખાબક્યો 5.5 ઇંચ વરસાદ? કોઝવે પર ફરી વળ્યા પાણી
જાંબુઘોડા અને રામપુરાને જોડતા માર્ગ પર આવતા કોઝવે પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે.
પંચમહાલ : ગુજરાતમાં આજે વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ફક્ત ચાર કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસતા સ્થાનિક નદી નાળા, કોતરો છલકાયા હતા. કોતરોના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. જાંબુઘોડા અને રામપુરાને જોડતા માર્ગ પર આવતા કોઝવે પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે.
આજે વહેલી સવારે અમદાવાદમાં કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે.
શહેરના વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તો મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
વાડજ વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટના બી-૬ બ્લોકના ધાબા પર વિજળી પડી હતી. વિજળી પડતા જ ધાબાની દિવાલમાં સામાન્ય નુકશાન થયું હતું, જેમાં ઓવરહેડ ટાંકી તૂટી ગઇ હતી. સાથે સાથે 12 ફલેટમાં વીજઉપકરણો બંધ થઇ ગયા હતા. ફ્લેટની બહારની દિવાલ જાણે આગ લાગી હોય તે રીતની કાળી થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ પર છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. શહેરના વિરાટનગરમાં સૌથી વધુ 55 મિ.મિ., ઓઢવમાં 57 મિ.મિ., ચકુડીયામાં 48 મિ.મી., ઉસ્માનુપરામાં 25 મિ.મિ., પાલડીમાં 22 મિ.મી., રાણિપમાં 23 મિ.મિ. દાણાપીઠ અને દૂધેશ્વરમાં 26 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
પાલડી, ટાગોર હોલ ખાતે 22 મિ.મિ., ઉસ્માનપુરામાં 25 મિ.મિ. જોધપુરમાં 17 મિ.મિ., સરખેજમાં 20 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આશ્રમરોડ, મેમનગર, સાયન્સ સિટી, બોપલ, વસ્ત્રાપુર, ગોતા, ઘાટલોડિયા, વગેરે વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટાં વરસવાનું ચાલુ રહ્યું હતું.
ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં 15 ઈંચ સાથે મોસમનો સરેરાશ 55% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હજુ વરસાદની 43% ઘટ છે. અમદાવાદ જિલ્લામાંથી અત્યાર સુધી માંડલમાં સૌથી ઓછો 9.40 ઈંચ, જ્યારે સાણંદમાં સૌથી વધુ 20.86 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 16.69 ઈંચ, બાવળામાં 32.20 ઈંચ, દસક્રોઈ-ધંધૂકામાં 15.86 ઈંચ, દેત્રોજમાં 11.88 ઈંચ, ધોળકામાં 16.69 ઈંચ, વિરમગામમાં 9.76 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.