(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara :ચાઇનીઝ દોરીએ વધુ એક વ્યક્તિનો લીધો ભોગ, બાઇક પર જતાં વકીલને ગંભીર ઇજા થયા બાદ મોત
મકરસંક્રાતિના પર્વમાં ચાઇનીઝ દોરી રંગમાં ભંગ પાડી રહી છે. વડોદરામાં વધુ એક વ્યક્તિનો ચાઇનીઝ દોરીએ ભોગ લીધો છે.
Vadodara:મકરસંક્રાંતિના ઉલ્લાસના રંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરી કાળમુખી બની છે. વડોદરાના વાઘોડિયાના આમોદર ના રસિક પટેલનું દોરી વાગી જતાં મોત થયું છે. 67 વર્ષીય વકીલ રસિક પટેલ બાઇક પર જઇ રહ્યાં હતા આ સમયે અચાનક ચાઇનીઝ દોરી સામે આવી જતા તેમનો પગ દોરીમાં ફસાઇ ગયો હતો અને બાઇક પરથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ધટના બાદ તેમને તાબડતૂ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય.
ઉલ્લેખનિય છે કે, રાજ્યભરમાં આજે ઉતરાયણનો તહેવાર ધૂમધામથી મનાવાઇ રહ્યો છે પરંતુ મકરસંક્રાંતિના પર્વના રંગમાં ભંગ પાડતી પણ અનેક ઘટનાના અહેવાલ સામે આવ્યાં છે. ઉતરાયણ પર્વની સવારે 10 વાગ્યા સુધીમાં જ 108 સેવાને 1077 ઇમરજન્સી કોલ આવ્યા હતા. ગયા વર્ષે 10 વાગ્યા સુધીમાં 936 કોલ મળ્યા હતા.ચાલુ વર્ષે 10 વાગ્યા સુધીમાં 114 જેટલા ઈમરજન્સી કોલની સંખ્યા વધી છે.
રાજકોટના જેતપુરમાં ચાયનીઝ દોરીના કારણે બાળકનો પગ ચિરાઇ જતાં બાળક ને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી હતી. તો નવાગઢમાં પણ બાઇક પર જતાં રહીમ ઈબ્રાહીમને દોરી વાગી જાતં ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તો અમદાવાદમાં ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દોરીના કારણે ગળામાં ઇજા થતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દોરીના કારણે એટલી ગંભીર ઇજા પહોંચી હતી કે,ટાંકા લેવાની ફરજ પડી હતી.
સંક્રાંતિ પહેલા સુરતના વરાછામાં ચાઇનીઝ દોરીએ એક યુવતીનો જીવ લીઘો. એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને નીચે પટકાઈ હતી. યુવતીને ગંભીર ઈજા થતા આસપાસના સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે. યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.