વડોદરામાં રખડતા ઢોરનો આતંક, એક ગાયે યુવકની આંખમાં મારી દીધું શિંગડું
Vadodara News : ગોવર્ધન ટાઉનશીપ વાઘોડિયા રોડ ખાતે રહેતો પરિવાર હેનીલને આંખમાં નુકશાન થતા મુસીબતમાં મુકાયો હતો.
Vadodara : વડોદરા શહેરમાં રખડતા ઢોરનો આતંક ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થી હેનીલ પટેલને ગાયે અડફેટે લેતા આંખમાં નુકશાન થતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હેનીલને ગાયનું સિંગડું આંખમાં વાગતા આંખ ગુમાવવાનો વારો આવી શકે છે. વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ એક્સેલ આઈકેર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વાઘોડિયા રોડના ક્રિષ્ના હોસ્પિટલ પાસેના રસ્તેથી પસાર થતી ગાય ડિવાઈડર પર ચડી ગઇ હતી. તેવામાં ગાયના પાલકે ગાયને ભગવવાનો પ્રયાસ કરતા ગાયે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, જે દૃશ્યો દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
ગોવર્ધન ટાઉનશીપ વાઘોડિયા રોડ ખાતે રહેતો પરિવાર હેનીલને આંખમાં નુકશાન થતા મુસીબતમાં મુકાયો હતો. પિતા નીતિન પટેલે પુત્રને આંખમાં ગંભીર ઇજા થતાં કોર્પોરેશન સામે કાનૂની કાર્યવાહી કરવા અને વળતર આપવા માંગ કરી હતી, તો માતા ભાવનાબેને કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારી ગણાવી હતી. 17 વર્ષીય હેનીલ પટેલ એન્જીનીઅરિંગના પ્રથમ વર્ષમાં પરીક્ષા આપી બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ એ 8 મહિના પહેલા વડોદરાના મેયર કેયુર રોકડીયાને કહ્યું હતું કે ઓફિસમાં બેસી મિટિંગો બંધ કરો અને રખડતા ઢોર શહેરમાં રખડતા બંધ કરાવો પણ આજદિન સુધી શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનું સમાધાન થઈ રહ્યું નથી. તંત્ર ઢોર માલિકોને શહેર બહાર ગૌચર જમીન ફાળવતી નથી અને સમસ્યા દિવસેને દિવસસે વધતી જ જાય છે.
પાલનપુરમાં પણ રખડતા ઢોરનો ત્રાંસ
પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં ગત મોડીરાત્રે એક યુવકને ગાયે અડફેટે લીધો હતો જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી હજુ તો ત્રણ દિવસ પહેલા ગાયના ઝડપથી વૃદ્ધના મોતની શાહી સુકાઇ નથી ત્યાં ફરી ગઈકાલે રાત્રે ઘટના બની હતી.
ગઇકાલે 11 મે એ મોડી રાત્રે બાઇક પર પસાર થતા યુવકને હનુમાન ટેકરી વિસ્તારમાં ગાય અડફેટે લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જોકે આ યુવકને સ્થાનિકો દ્વારા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો ત્રણ દિવસ પહેલાં જ હનુમાન ટેકરી વિસ્તારમાં જ ગાયે એક વૃદ્ધને ઈજાઓ પહોંચાડી અને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે રખડતા ઢોરોનો ત્રાસ હવે શહેરીજનો માટે અસહ્ય બન્યો છે અને રખડતા ઢોરને કારણે મોતની ઘટનાઓ પણ બની રહી છે.