Vadodara: વડોદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ ઘૂસી ગઇ ખાનગી બસ, ચારના મોત
વડોદરાના કપુરાઈ બ્રિજ પાસે ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસતા ચારના મોત થયા હતા
વડોદરાઃ વડોદરાના કપુરાઈ બ્રિજ પાસે ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસતા ચારના મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરાના કપુરાઇ બ્રિજ પાસે ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસી ગઇ હતી. ખાનગી બસ મોડી રાત્રે અમદાવાદથી સુરત તરફ જઈ રહી હતી. આ દરમિયાન વડોદરાના કપુરાઈ બ્રિજ પાસે માર્ગમાં ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 19 લોકોને ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ શહેર ટ્રાફિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી કરી હતી. હાલ ઈજાગ્રસ્તોની શહેરની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો અકસ્માતમાં રસ્તા પર પાર્ક કરનાર ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થયો છે. પોલીસ આ કેસમાં તપાસ ચલાવી રહી છે.
Gandhinagar: સરકારી શિક્ષક બનવા માગતા ઉમેદવારો માટે મોટા સમાચાર
ગાંધીનગર: ચૂંટણી અગાઉ સરકારી શાળામાં શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ-2 પરીક્ષાનો કાર્યક્રમ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. 2023 ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ટેટ-ટુની પરીક્ષા લેવાશે. 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. તમને જણાવી દઈએ કે, ધોરણ 6 થી ૮માં શિક્ષકની ભરતી માટે ટેટ-2 ની પરીક્ષા લેવાય છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા યોજવા અંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે, શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે,
નોંધનીય છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે ટેટ-2નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ધોરણ 1થી 5માં શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ ટેટ-1 પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા પાસ કરવી પડે છે.
રખડતા ઢોરને લઈને આવ્યા મોટા સમાચાર
રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ વધી ગયો છે. આ વાત હાઈકોર્ટ સુધી પહોંચી હતી અને કોર્ટે તંત્રને ફટકાર પણ લગાવી હતી. હવે કોર્ટના કડક વલણ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રખડતા ઢોરના ત્રાસના મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યો છે. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જિલ્લા સ્તરે કલેકટર જવાબદાર અધિકારી હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારી હશે. નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર જવાબદાર અધિકારી હશે. રખડતા ઢોરના ત્રાસના કારણે થયેલા મૃત્યુ કે ઇજાના કેસ માટે સરકારે જવાબદારીઓ ફિક્સ કરી છે. રાજ્ય સરકારે સોગંદનામુ કરીને હાઈકોર્ટને આ અંગે જાણ કરી છે.