Vadodara : કોરોનાગ્રસ્ત નવજાતને છોડીને માતા-પિતા થઈ ગયા ફરાર, નિર્દયી માતા પર ફિટકાર
સયાજી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત નવજાતને છોડીને માતા-પિતા ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. પ્રસુતિ બાદ માતા અને બાળક બંન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં બાળકને દાખલ કર્યો છે.
વડોદરાઃ વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત નવજાતને છોડીને માતા-પિતા ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. પ્રસુતિ બાદ માતા અને બાળક બંન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં બાળકને દાખલ કર્યો છે. બાળ રોગ વિભાગના જીએમએમસીયુ વોર્ડના તબીબે પોલિસને જાણ કરી છે. છોટાઉદેપુરના સુમિત્રાબેન બારીયા અને મહિપતભાઈ બારીયા બાળકના માતાપિતા હોવાનું સામે આવ્યું.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, છોટાઉદેપુરના ઓરવાડા ગામની મહિલાએ જબુગામ આરોગ્ય કેન્દ્રમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો. આ પછી મા અને નવજાત બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. દરમિયાન માતા અને પિતા ફરાર થઈ જતા પોલીસમાં જાણ કરવામાં આવી છે.
સુમિત્રાબેનને દુઃખાવો ઉપડતા 5 મેના રોજ જબુગામ આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. જ્યાં સુમિત્રાબેને એક બાળકને જન્મ આપ્યો હતો. આરોગ્ય કેન્દ્રની પરંપરા મુજબ મા અને દીકરાનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબોએ બંનેને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કર્યાં હતા. જ્યાં બાળકને પીડિયાટ્રીક વિભાગના જીએમએમસીયુ વોર્ડમાં દાખલ કરાયું હતું. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી સુમિત્રાબેન અને મહિપતભાઈ ચિંતિત હતા.
બીજી તરફ માતા સુમિત્રાબેનની પણ કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગુરૂવારે 11 વાગ્યે 7 દિવસના બાળકને ત્યજીને માતા અને પિતા બંને ફરાર થઈ ગયા હતા. આ અંગે નર્સિંગ સ્ટાફ અને અન્ય બાળકોની માતાને જાણ થતાં નિર્દયી માતા પર ફિટકારની લાગણી વરસાવી હતી.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9,995 નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 6,09,031 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,17,373 પર પહોંચ્યો છે. જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર અને 1,16,587 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.82 ટકા છે.