(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરામાં વિદેશ મોકલવાના બહાને બંટી-બબલીએ ફેરવ્યું કરોડોનું ફુલેકુ
વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. ગેડા સર્કલ પાસે સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્ટ ધરાવતા દંપતીએ છેતરપિંડી કરી છે. સાગર પટેલ-ઝીલ પટેલે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરી હતી.
વડોદરા: શહેરમાં વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. ગેડા સર્કલ પાસે સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્ટ ધરાવતા દંપતીએ છેતરપિંડી કરી છે. સાગર પટેલ અને ઝીલ પટેલે વિદેશ મોકલવાના બહાને એક મહિલા સાથે 37 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અન્યો સાથે છેતરપિંડીની રકમ 1 કરોડ ઉપર પહોંચી રહી છે. વિદ્યાનગરના બિનતા પટેલે ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે જવા આપેલા 37 લાખ ગુમાવ્યા છે. ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાગર પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ઝીલ પટેલ હાલમાં ફરાર છે. તો બીજી તરફ તપાસ દરમ્યાન પોલીસે માર માર્યાંની સાગરે ફરીયાદ કરતા સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલે ખસેડાયો છે.
આ ઉપરાંત વડોદરામાં જ વર્ક પરમીટથી કેનેડા મોકલવા 10.56 લાખ લીધા બાદ ફાઈલ રિજેક્ટ થતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરજદારની ફાઇલ રિજેક્ટ થતા એજન્ટે ફક્ત 6.62 લાખ જ પરત કર્યા હતા. આ મામલે સિક્યોર વિઝા એન્ડ ઇમિગ્રેશન સામે અરજદારે ફરિયાદ નોંધાવી છે. કારેલીબાગ વિસ્તાર રહેતા કરણ અમીન સાથે ઠગાઈ થતા ગોત્રી પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કરણ અમીનની ફાઇલમાં એજન્ટએ 6 ભૂલો કરતા ફાઇલ રિજેક્ટ થઈ હતી. સંચાલકોએ મોકલેલી 7 ફાઇલ રિજેક્ટ થઈ હતી. સંચાલક ચંદન સત્યા અને નેહા શાહની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપત્તિનું મોત
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપત્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના સોલા ભાગવત પુલ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુલ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લીધી હતી. ટુ વ્હિલરને ટક્કર લાગતા સવાર દંપત્તિ પુલ પરથી નીચે પટકાયા હતા જેમાં બંન્નેનું મોત થયું હતું. તો અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકનું નામ દ્રારકેશભાઈ અને જુલીબેન હોવાની માહિતી મળી છે અને તે ચાંદખેડા વિસ્તારના રહેવાસી હતા.
મહીસાગરમાં ટ્રકે બાઇક પર સવાર ચાર લોકોને કચડ્યા
મહીસાગરમાં લુણાવાડા ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા શોકનો માહોલ ફેલાયો છે. સાથે જ લુણાવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહોની લટાર
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક ગામમાં બે સિંહો લટાર મારતા દેખાયા. મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહો ગામની શેરીમાંથી નીકળતા દેખાયા હતા. બે સિંહો ગામમાં લટાર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જો કે ગીર જંગલની આસપાસના ગામોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય માનવામાં આવે છે. શિકારની શોધમાં વનરાજ ગામડાઓમાં પ્રવેશે છે અને પશુનું મારણ કરતા હોય છે.