Vadodara: સ્વીટીના હત્યારા PI દેસાઈએ કોંગ્રેસના ક્યા ટોચના નેતાની મદદથી લાશ સળગાવી દીધી હતી ? જાણો ચોંકાવનારો ખુલાસો
આ હત્યા પછી લાશને સગેવગે કરવામાં અને પુરાવાનો નાશ કરવામાં પીઆઈ અજય દેસાઈએ પોતાના મિત્ર અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. જાડેજાએ પોલીસ તપાસમાં દેસાઈનાં કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો.
વડોદરાઃ વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અંતે સ્વીટીના લિવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ) અજય દેસાઈએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી પછી ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના લિવ-ઈન પાર્ટનર અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ હત્યા કરી હોવાનું શોધી કાઢ્યું છે.
પોલીસને ગોળ ગોળ ફેરવતા પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેણે જ ગળેટૂંપો દઈને પોતાની સાથે રહેતી સ્વીટી પટેલની હત્યા કરી હતી. સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે ઝગડો થયો હતો.
આ હત્યા પછી લાશને સગેવગે કરવામાં અને પુરાવાનો નાશ કરવામાં પીઆઈ અજય દેસાઈએ પોતાના મિત્ર અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. કિરીટસિંહ જાડેજાએ પોલીસ તપાસમાં દેસાઈનાં કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. કિરીટસિંહ સામે પણ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કિરીટસિંહની મદદથી પી.આઈ. અજય દેસાઈએ લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો.
પીઆઇ અજય દેસાઇ અગાઉ કરજણ ફરજ બજાવતા હતા ત્યારે સ્થાનિક કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા સાથે નિકટતા કેળવાઈ હતી. કિરીટસિંહ કરજણ બેઠક પરથી 2020માં વિધાનસભાની પેટાચૂંટણી પણ લડી ચૂક્યા છે. કોંગ્રેસ છોડીન ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલ સામે કિરીટ જાડેજાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા પણ જાડેજાની અક્ષય પટેલ સામે હાર થઈ હતી.
અજય દેસાઈએ સ્વીટીની હત્યા બાદ કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા. જયાં અવાવરુ હોટેલની પાછળ લાશને સળગાવી દીધી હતી. કિરીટ સિંહે વટાણા વેરી દેતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. રાત્રે પીઆઇ દેસાઇ અને કિરીટસિંહ સામે પોલીસે હત્યા અને પુરાવાના નાશનો ગુનો નોંધવાની તજવીજ કરી હતી. પીઆઇ દેસાઇ ફરજ બજાવતા હતા, ત્યાં જ આરોપી બન્યા હતા.