Vadodara: વડોદરામાં ગમખ્વાર અકસ્માત, પુરપાટ આવતી આઇસરે કારને પાછળથી મારી ટક્કર, ત્રણના ઘટનાસ્થળે જ મોત
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં નેશનલ હાઇવે પર માંગલેજ પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. કાર લઈ ત્રણ યુવાનો નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને પાછળથી ટક્કર મારી હતી.
કારમા સવાર ત્રણમાંથી 2ના મોત થયા જ્યારે આઇસર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મૃતકોની ઓળખ ઉકમ ભારતી,સુરેશ ભારતી તરીકે થઇ હતી.
વડોદરામાં સર્જાયેલા અન્ય એક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. વડોદારમાં કૃષ્ણા હોટલ ટ્રક ચાલકની અડફેટે બાઇક ચાલકનું મોત થયું હતું. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક સોમા તલાવ વિસ્તારનો અને અનિલ ટીનાભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. વરણામા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ચાલક સામે વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામાં બની હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટના
મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના બની હતી. મહેસાણા જિલ્લામાં બનેલી બે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મહેસાણા અમદાવાદ હાઈવે પર સંકુઝ વોટર પાર્ક નજીક બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયુ હતું. જ્યારે કાર ચાલક બાઇકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનમાં મોતને ભેટેલો યુવક પાટણના કમળીવાળાનો હતો. લાંઘણજ પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.
મહેસાણા જિલ્લામાં બનેલી અન્ય હિટ એન્ડ રન ઘટનામાં પણ બાઇક સવારનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ઉનાવા પાસે ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું.