શું તમે પણ ઇયરફોનનો કર્યો છો ઉપયોગ, WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
આજકાલ લગભગ દરેક જણ ઈયરફોન, ઈયરબડ અને હેડફોન વાપરે છે
આજકાલ લગભગ દરેક જણ ઈયરફોન, ઈયરબડ અને હેડફોન વાપરે છે. આ ડિવાઇસ સંગીત સાંભળવા, વિડિઓ જોવા અથવા કૉલ કરવા માટે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે આ શોખ તમને બહેરા બનાવી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના રિપોર્ટ અનુસાર, આવનારા સમયમાં વિશ્વભરના 100 કરોડથી વધુ યુવાનો બહેરા થઈ શકે છે. તેની પાછળનું કારણ કોઈ મહામારી નથી, પરંતુ આપણી ખોટી સાંભળવાની ટેવ છે.
WHO ની "મેક હિયરિંગ સેફ" ગાઇડલાઇન અનુસાર, 12 થી 35 વર્ષની વયના યુવાનો 2050 સુધીમાં બહેરા થઇ શકે છે. આનું મુખ્ય કારણ ઇયરફોન, હેડફોન અને અન્ય ઓડિયો ડિવાઇસને લાંબા સમય સુધી અને વધુ વોલ્યુમ પર ઉપયોગ કરવાનું છે.
આ વોલ્યુમ પણ સાંભળવું સલામત છે?
સામાન્ય રીતે વ્યક્તિગત ઓડિયો ડિવાઇસોમાં વોલ્યુમ સ્તર 75 ડેસિબલથી 136 ડેસિબલ સુધી હોય છે. ડૉક્ટરો કહે છે કે 20 થી 30 ડેસિબલનો અવાજ કાન માટે સલામત છે. આ લગભગ તે વોલ્યુમ છે કે જેના પર બે લોકો શાંતિથી વાતચીત કરે છે.
75 ડેસિબલથી વધુના અવાજે સતત સંગીત સાંભળવાથી કાનના સંવેદનાત્મક કોષોને નુકસાન થાય છે. આ નુકસાન કાયમી હોઈ શકે છે અને તેની કોઈ સારવાર નથી. જો તમે સતત મોટા અવાજો સાંભળો છો તો પછી કાનમાં દુખાવો અથવા ઓછું સંભળાય છે તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
વધુમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં 12 થી 35 વર્ષની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25 ટકા એવા છે કે જેઓ ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર ખૂબ જ મોટા અવાજે સતત સાંભળવા ટેવાયેલા છે. જ્યારે લગભગ 50 ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહે છે.
કેવી રીતે ટાળવું?
ઓડિયો ડિવાઇસમાં વોલ્યુમ ઓછું રાખો.
લાંબા સમય સુધી સંગીત ન સાંભળો.
કાનને નિયમિત આરામ આપો.
ઘોંઘાટીયા વાતાવરણમાં તમારા કાન બંધ રાખો.
યાદ રાખોતમારા કાન એ તમારો સૌથી અમૂલ્ય ખજાનો છે. તેમની સલામતી મહત્વપૂર્ણ છે.