કેનેડાથી અમેરિકામાં ઘૂસવા જતાં બીજા 7 ગુજરાતી ઝડપાયા, 11 કલાક ચાલીને બોર્ડર પહોંચેલા, જાણો ક્યા ગામના છે આ લોકો ?
અમેરિકા કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં 11 ગુજરાતીમાંથી ચાર લોકો થીજીને મોતને ભેટ્યા હોવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.
અમદાવાદઃ અમેરિકા કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં 11 ગુજરાતીમાંથી ચાર લોકો થીજીને મોતને ભેટ્યા હોવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો માઈનસ 35 ડિગ્રી કાતિલ ઠંડીમાં થીજી ગયા હોવાની ઘટનાએ સૌ કોઈને ખળભળાવી દીધા છે ત્યારે આ 11માંથી બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. આ સાત લોકો પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતી પરિવારના ચાર લોકોનાં મૃતદેહો મળ્યા બાદ ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખસ 7 ભારતીયને ગેરકાયદે ઘુસાડવામાં પણ સામેલ હોવાની આશંકા છે. કોર્ટ ડોક્યુમેન્ટ મુજબ આ એજન્ટ કેનેડામાં ઘૂસવા માટે મોટી રકમ લઈને ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા અપાવી ઘૂસણખોરી કરાવતો હતો. કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા છે.
ગુજરાતી પરિવારનાં ચાર લોકોની મોતની ઘટનામાં પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલવામાં કલોલના એક એજન્ટ અને તેના પેટા એજન્ટનો રોલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બનાવ બાદ એક શકમંદ એજન્ટની ભાળ મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે. પોલીસે લેપટોપ પણ કબજે કર્યું છે. આ શકમંદ પરિવારને મોકલનારો જ એજન્ટ છે કે નહીં તેની ખરાઈ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તપાસ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં આ એજન્ટની સંડોવણી છે કે નહીં તે અંગે ખુલાસો થઈ શકે છે.
પોલીસ ફરિયાદ મુજબ આ તમામ લોકો ગુજરાતીમાં વાતો કરતા હતા. ટ્રકના ડ્રાઇવરે કહ્યું હતું કે, તે 19 જાન્યુઆરીના રોજ એજન્ટ શેન્ડને મળ્યો હતો. આ કબૂલાતના પગલે શેન્ડની ધરપકડ કરાઈ છે. આ ભારતીયો કેનેડાની બોર્ડર પાર કરી રહ્યા હતા અને તેમને અમેરિકામાંથી કોઈ લેવા માટે આવી રહ્યું હોવાની આશંકા હતી. કેનેડામાં ઊતર્યા બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોનાં ડાયપર, રમકડાં, બાળકોની દવા, કપડાં મળ્યાં છે.