અમેરિકામાં વધુ એક ભારતીય પર હુમલો, પટેલ બ્રધર્સ સ્ટોરના માલિકના પુત્ર પર હુમલો કરી કાર લૂંટવાનો પ્રયાસ
અમેરિકામાં વધુ એક ભારતીય પર હુમલો કરવાની ઘટના બની છે. ન્યૂજર્સીના એડિસનમાં લક્ઝુરિયસ કાર લૂંટવાના પ્રયાસમાં એક ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકામાં વધુ એક ભારતીય પર હુમલો કરવાની ઘટના બની છે. ન્યૂજર્સીના એડિસનમાં લક્ઝુરિયસ કાર લૂંટવાના પ્રયાસમાં એક ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમેરિકામાં ગુજરાતીઓના ઘણા વોટ્સએપ ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 15 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં એડિસનમાં આવેલા એક ઈન્ડિયન સ્ટોરના પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરી રહેલા યુવક પર અચાનક જ ત્રણ લોકો હુમલો કરી દે છે. વોટ્સએપ પર સર્ક્યુલેટ થઈ રહેલા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાનો ભોગ બનેલો યુવક ગુજરાતી છે અને તે અમેરિકામાં મોટાપાયે બિઝનેસ ધરાવતી એક ઈન્ડિયન સ્ટોર ચેઈનના માલિકનો દીકરો છે, જેમના અમેરિકાના અનેક રાજ્યોમાં અનેક સ્ટોર્સ આવેલા છે.
આ હુમલાની ઘટનાના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં પણ બે લોકો ગુજરાતીમાં વાત કરતા સાંભળી શકાય છે. એડિસનની ઘટનાનો જે વિડીયો વાયરલ થયો છે તે 15 માર્ચે બપોરે બની હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં સદ્દનસીબે રોબરીનો ભોગ બનનારા ગુજરાતી યુવકને ઈજા નથી થઈ.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં લૂંટારાનો પ્રતિકાર કર્યા બાદ થોડી જ સેકન્ડોમાં વિક્ટિમ પોતાનો જીવ બચાવીને ભાગી છૂટે છે અને તેના ગયા બાદ લૂંટારા કારમાંથી કંઈક શોધવાનો પ્રયાસ કર્યા પછી ત્યાંથી દોડતા જ નાસી છૂટે છે. આ ઘટનામાં ગુજરાતી યુવકની લક્ઝુરિયસ કાર લૂંટવા આવેલા લૂંટારા કાર તો નહોતા લૂંટી શક્યા, પરંતુ તેમણે ગાડીમાં પડેલી કોઈ કિમતી વસ્તુની લૂંટ કરી છે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી મળી શકી.
વિડીયો સાથે વાયરલ થયેલા મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિક્ટિમ ઓરેન્જ કલરની બેન્ટલી કાર પાર્ક કરી રહ્યો હતો ત્યારે જ ત્રણ લૂંટારા ત્રાટક્યા હતા અને ત્રણેયે પોતાના ચહેરા માસ્કથી ઢાંકી રાખ્યા હતા. કાર લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વિક્ટિમે તેને બંધ કરી દીધી હોવાથી કદાચ લૂંટારા કારને લઈને નહોતા ભાગી શક્યા. જીવ બચાવીને સ્ટોરમાં ભાગી ગયેલા આ યુવકે ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પોલીસ રિપોર્ટની કોઈ સત્તાવાર માહિતી નથી મળી શકી.
અમેરિકામાં કાર લૂંટવાની ઘટનાના અનેક કેસમાં ગુજરાતીઓ પણ વિક્ટિમ બન્યા છે, આવા મામલામાં જો લૂંટારાનો પ્રતિકાર કરવાની કોશીશ કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અમેરિકામાં લૂંટારાનો આતંક એ હદે છે કે અમુક રાજ્યોમાં ગુજરાતીઓએ પોતાના સ્ટોરના કાઉન્ટરની આસપાસ બુલેટપ્રુફ ગ્લાસ લગાવી રાખ્યા છે, તેમ છતાંય રોબરીની ઘટનાને ટાળી નથી શકાતી. માત્ર સ્ટોર્સ જ નહીં, પરંતુ ક્યારેક તો ન્યૂજર્સીમાં બન્યું તેમ જાહેરમાં પણ લોકોને હથિયાર બતાવીને કે પછી તેમના પર હુમલો કરીને લૂંટી લેવામાં આવતા હોય છે.