'ભારત મારો દેશ, પંજાબીઓને દેશભક્તિના પુરાવા આપવાની જરૂર નથી': કેનેડાના સિંગર શુભ
નોંધનીય છે કે ખાલિસ્તાની સમર્થક શુભનીતનો ભારતમાં વિરોધ થઈ રહ્યો છે
ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધોમાં તણાવ વચ્ચે કેનેડામાં રહેતા પંજાબી સિંગર શુભ પણ વિવાદમાં આવી ગયો છે. ભારતમાં શો કેન્સલ થયા બાદ કેનેડા સ્થિત પંજાબી સિંગર શુભનીત સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી અને કહ્યું હતું કે ભારત મારો પણ દેશ છે. મારો જન્મ પણ અહીં થયો હતો. આ મારા ગુરુઓ અને મારા પૂર્વજોની ભૂમિ છે.
View this post on Instagram
નોંધનીય છે કે ખાલિસ્તાની સમર્થક શુભનીતનો ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. શુભ પર ખાલિસ્તાની જૂથોને સમર્થન કરવાનો અને ભારતનો ખોટો નકશો શેર કરવાનો આરોપ છે. પ્રો ખાલિસ્તાની-કેનેડિયન સિંગર શુભની મુંબઈ કોન્સર્ટ રદ કરવામાં આવી છે.
ભારતમાં શો કેન્સલ થયા બાદ સિંગર શુભે ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે, ભારતના પંજાબથી આવતા એક યુવા રેપર-સિંગર તરીકે આંતરરાષ્ટ્રીય મંચ પર મારું સંગીત રજૂ કરવાનું મારા જીવનનું સપનું છે. પરંતુ તાજેતરની ઘટનાઓએ મારી મહેનત અને પ્રગતિને અસર કરી છે. હું મારી નિરાશા અને દુ:ખ વ્યક્ત કરવા માટે થોડાક શબ્દો કહેવા માંગુ છું.
વધુમાં કહ્યું કે, ભારતમાં મારો પ્રવાસ રદ થવાથી હું અત્યંત નિરાશ છું. હું મારા દેશમાં, મારા લોકોની સામે પરફોર્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને હું છેલ્લા બે મહિનાથી પૂરા દિલથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હું ખૂબ જ ઉત્સાહથી પ્રદર્શન કરવા માટે તૈયાર હતો. પણ મને લાગે છે કે નિયતિને બીજુ કાંઇક મંજૂર હતું.
'પંજાબ મારો આત્મા છે...પંજાબ મારા લોહીમાં છે'
શુભે કહ્યું હતું કે ભારત મારો પણ દેશ છે. મારો જન્મ અહીં થયો હતો. આ મારા ગુરુઓ અને મારા પૂર્વજોની ભૂમિ છે, જેમણે આ ભૂમિની આઝાદી માટે, તેના ગૌરવ માટે બલિદાન આપવા માટે એક ક્ષણ પણ વિચાર્યું નથી. પંજાબ મારો આત્મા છે, પંજાબ મારા લોહીમાં છે. આજે હું જે કંઈ પણ છું, પંજાબી હોવાને કારણે છું. પંજાબીઓને દેશભક્તિનો પુરાવો આપવાની જરૂર નથી. ઈતિહાસના દરેક પ્રસંગે પંજાબીઓએ આ દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તેથી, મારી નમ્ર વિનંતી છે કે તમે દરેક પંજાબીને અલગતાવાદી અથવા રાષ્ટ્ર વિરોધી તરીકે લેબલ કરવાનું ટાળો.
'હું સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ'
શુભે કહ્યું હતું કે એ પોસ્ટને ફરીથી શેર કરવાનો મારો હેતુ ફક્ત પંજાબ માટે પ્રાર્થના કરવાનો હતો, કારણ કે સમગ્ર રાજ્યમાં પાવર અને ઇન્ટરનેટ બંધ હોવાના અહેવાલો હતા. આ પાછળ મારો બીજો કોઈ વિચાર નહોતો. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. મારા પર લાગેલા આરોપોએ મને ઊંડી અસર કરી છે. પણ જેમ મારા ગુરુએ મને શીખવ્યું – બધા મનુષ્યોને સમાન ગણવા. મને શીખવવામાં આવ્યું છે કે ડરો મત, ડરો મત, જે પંજાબિયતનું મૂળ છે. હું સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ. હું અને મારી ટીમ મજબૂત થઇને ટૂંક સમયમાં પાછા ફરીશું. વાહેગુરુ મેહર કરે, સરબત દા ભલા