Russia Ukraine: યુક્રેન પર હુમલો કરી ઘેરાયું રશિયા? બ્રિટન રશિયાની બેન્કોની સંપત્તિ જપ્ત કરશે, ફિનલેન્ડ યુક્રેનને આપશે હથિયાર
ઘણા દેશો યુક્રેનને હથિયારો આપવાની જાહેરાત પણ કરી રહ્યા છે. હવે ફિનલેન્ડે યુક્રેનને હથિયાર સપ્લાય કરવાની જાહેરાત કરી છે

મોસ્કોઃ યુક્રેન પર રશિયન હુમલા પછી વિશ્વના દેશો રશિયાને ઘેરવામાં લાગી ગયા છે. રશિયાએ ન્યુક્લિયર ડિટરેન્ટ ફોર્સને હાઈ એલર્ટ પર રાખ્યા બાદ અમેરિકાએ પણ પોતાના ન્યુક્લિયર ફોર્સને એલર્ટ કરી દીધી છે. બ્રિટને તમામ રશિયન બેંકોની સંપત્તિ ફ્રીઝ કરવાની જાહેરાત કરી છે. બ્લેક સીમાં તુર્કી પણ એક્શનમાં આવી ગયું છે.
એજન્સીના અહેવાલ અનુસાર, તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમણે રશિયા અને યુક્રેન સાથેના સંબંધોને લઇને હાર માની નથી. તેમનો દેશ એક આંતરરાષ્ટ્રીય કન્વેશનને લાગુ કરશે જે તુર્કીને બ્લેક સીમાં પ્રવેશવા માટે સ્ટ્રેટને બંધ કરવાની મંજૂરી આપે છે. જે બે યુદ્ધ કરી રહેલા દેશોના યુદ્ધ જહાજોને બ્લેક સીમાં જતા રોકી શકાય.
તુર્કીએ થોડા દિવસ અગાઉ જ એક રશિયન યુદ્ધ જહાજને બ્લેક સીમાં પ્રવેશતા રોક્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિની આ જાહેરાત પહેલા પણ રશિયાના ઘણા યુદ્ધ જહાજો બ્લેક સીમાં ઘૂસી ગયા હતા. આવી સ્થિતિમાં તુર્કીના આ પગલાની યુદ્ધ પર કેટલી અસર પડશે તે સ્પષ્ટ નથી. તુર્કીએ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે.
કેનેડાએ રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે
કેનેડાની સરકારે પણ રશિયાને મોટો ફટકો આપ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાએ પણ યુક્રેનને લશ્કરી સહાયની જાહેરાત કરી છે. બીજી તરફ, અમેરિકન અધિકારીઓએ રશિયન રાષ્ટ્રપતિના તેના પરમાણુ દળને તૈનાત કરવાના આદેશને ખતરનાક ગણાવ્યો છે. જો કે, અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે આનાથી દેશ માટે વ્યૂહાત્મક ખતરામાં ફેરફારના કોઈ સંકેત દેખાતા નથી.
ફિનલેન્ડ યુક્રેનને હથિયાર પણ આપશે
બીજી તરફ ઘણા દેશો યુક્રેનને હથિયારો આપવાની જાહેરાત પણ કરી રહ્યા છે. હવે ફિનલેન્ડે યુક્રેનને હથિયાર સપ્લાય કરવાની જાહેરાત કરી છે. ફિનલેન્ડના વડાપ્રધાને યુક્રેનને શસ્ત્ર સપ્લાય કરવાના નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. ફ્રાન્સે કહ્યું હતું કે યુરોપિયન યુનિયનના સભ્યો રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ યુરોપિયન યુનિયનના સભ્યપદ માટેની અરજી પર હસ્તાક્ષર કર્યા બાદ ફ્રાન્સનું આ નિવેદન આવ્યું છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઘણા દેશોએ રશિયન એરક્રાફ્ટ માટે તેમની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. જેના જવાબમાંરશિયાએ પણ અલ્બેનિયા, બ્રિટન, ફ્રાન્સ, એસ્ટોનિયા, ફિનલેન્ડ, હંગેરી, ડેનમાર્ક, ગ્રીસ, આયર્લેન્ડ, ઇટાલી સહિતના ઘણા દેશો માટે તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
