'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
એક કંપનીએ એક ચોંકાવનારી નીતિ રજૂ કરી છે જેમાં કંપનીએ ધમકી આપી છે કે જો સપ્ટેમ્બર સુધીમાં લગ્ન નહી કરો તો સિંગલ અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે.

વિદેશમાં લોકો સામાન્ય રીતે લગ્ન કરવાનો નિર્ણય જાતે લે છે. પરંતુ આવો જ એક કિસ્સો ચીનથી સામે આવ્યો છે, જ્યાં એક કંપનીએ તેના કર્મચારીઓને લગ્ન કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે, નહીં તો તેમને નોકરી ગુમાવવી પડી શકે છે. ચીનની એક કંપનીએ એક ચોંકાવનારી નીતિ રજૂ કરી છે જેમાં કંપનીએ ધમકી આપી છે કે જો સપ્ટેમ્બર સુધીમાં લગ્ન નહી કરો તો સિંગલ અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે.
આ નીતિ બાદ કંપનીને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, શેનડોંગના શન્ટિયન કેમિકલ ગ્રુપ દ્વારા લાગુ કરાયેલી આ નીતિ ટીકા અને આક્રોશ અને સરકારી હસ્તક્ષેપને પગલે પાછી ખેંચી લેવામાં આવી છે.
કંપનીએ લગ્ન માટે અલ્ટીમેટમ આપ્યું હતું
જાન્યુઆરીમાં શન્ટિયન કેમિકલ ગ્રુપે 28 થી 58 વર્ષની વયના કર્મચારીઓને લક્ષ્ય બનાવતી એક નીતિ શરૂ કરી, જેમાં માંગ કરવામાં આવી હતી કે તેઓ સપ્ટેમ્બર સુધીમાં લગ્ન કરીને સ્થાયી થઈ જાય. માર્ચ સુધી અપરિણીત રહેનારાઓએ પોતાની ટીકા કરતો પત્ર લખીને સબમિટ કરવાનો રહેશે.
આદેશ મુજબ, જે વ્યક્તિ જૂન સુધીમાં લગ્ન નહીં કરે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને જો તે સપ્ટેમ્બર સુધીમાં લગ્ન નહીં કરે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કંપનીએ દાવો કર્યો હતો કે તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓમાં સખત મહેનત, કરુણા, વફાદારી અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો હતો.
કંપનીનો ઓર્ડર સોશિયલ મીડિયા પર વાયરલ થયો
કંપનીનો આ ઓર્ડર ચીની સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેની ઘણી ટીકા પણ થઈ રહી છે. યુઝર્સે કંપનીની શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ ટીકા કરી હતી અને તેના પર કર્મચારીઓના અંગત જીવનમાં દખલ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
એક યુઝરે લખ્યું હતું કે, 'કંપનીના નિયમો અને કાયદા સામાજિક નૈતિક મૂલ્યોથી ઉપર ન હોઈ શકે'. જ્યારે બીજા એક યુઝરે લખ્યું, 'ચીનનો લગ્ન કાયદો પસંદગીની સ્વતંત્રતાની ખાતરી આપે છે'.
કંપનીનો ઓર્ડર રદ કરવામાં આવ્યો
કંપનીના આદેશ સામે સતત વિરોધ પ્રદર્શનો બાદ સ્થાનિક માનવ સંસાધન અને સામાજિક સુરક્ષા બ્યુરોએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને કંપનીની નોટિસ રદ કરીને નવો આદેશ જાહેર કર્યો હતો. અધિકારીઓએ પુષ્ટી કરી હતી કે કંપનીની નીતિ શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. આટલી બધી ટીકા અને વિરોધ પછી કંપનીએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે





















