US Tariffs: ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર લગાવ્યો 19 ટકા ટેરિફ, વળતો જવાબ આપવાની તૈયારીમાં યુરોપિયન યુનિયન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકાએ ઇન્ડોનેશિયા સાથે એક નવો કરાર કર્યો છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકાએ ઇન્ડોનેશિયા સાથે એક નવો કરાર કર્યો છે, જેના હેઠળ ત્યાંથી આવતા માલ પર 19 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પનું કહેવું છે કે તેઓ આવા વધુ કરાર કરી રહ્યા છે, જેથી અમેરિકાની વેપાર ખાધ ઓછી થઈ શકે અને અમેરિકા વધુ સારી શરતો પર વેપાર કરી શકે.
આ કરાર 1 ઓગસ્ટ પહેલા કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકા મોટાભાગની આયાત પર ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં અમેરિકા અને તેના સૌથી મોટા વેપારી ભાગીદાર યુરોપિયન યુનિયન (EU) વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે, પરંતુ જો આ વાટાઘાટો નિષ્ફળ જાય તો યુરોપિયન યુનિયન બદલો લઈ શકે છે.
અમેરિકા અન્ય દેશો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. ઘણા દેશો અમેરિકામાં તેમના માલ પર વધુ ટેરિફ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પની નીતિ ઘણીવાર અચાનક અને અસ્થિર રીતે લાગુ કરવામાં આવે છે, જેના કારણે વિશ્વભરના બજારોમાં ઉથલપાથલ મચી જાય છે. યેલ યુનિવર્સિટીના અંદાજ મુજબ, ટ્રમ્પને કારણે અમેરિકાનો સરેરાશ ટેરિફ દર 2-3 ટકાથી વધીને લગભગ 20.6 ટકા થઈ જશે. જો કે, જો લોકોની ખરીદીની પેટર્ન બદલાય તો આ દર 19.7 ટકા સુધી ઘટી શકે છે.
ઇન્ડોનેશિયા સાથે કયો કરાર કરવામાં આવ્યો હતો?
ટ્રમ્પે કહ્યું કે આ કરાર વિયેતનામ સાથેના અગાઉના કરાર જેવો જ છે. આમાં ઇન્ડોનેશિયાથી આવતા તમામ માલ પર લગભગ 19 ટકા ટેરિફ વસૂલવામાં આવશે, જે પહેલા 10 ટકા હતો. પરંતુ અમેરિકાથી ઇન્ડોનેશિયા મોકલવામાં આવતા માલ પર કોઈ ટેરિફ રહેશે નહીં. આ ઉપરાંત, ઇન્ડોનેશિયા અમેરિકા કેટલોક માલસામાન ખરીદશે.
તેઓ અમને 19 ટકા ટેરિફ આપશે, પરંતુ અમે તેમને કંઈ આપીશું નહીં: ટ્રમ્પ
ઓવલ ઓફિસની બહાર ટ્રમ્પે કહ્યું હતું કે 'તેઓ અમને 19 ટકા ટેરિફ આપશે, પરંતુ અમે તેમને કંઈ આપીશું નહીં. અમને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશ મળશે અને અમારી પાસે આવા કેટલાક સોદા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે ઇન્ડોનેશિયા 15 અબજ ડોલરના અમેરિકન ઉર્જા ઉત્પાદનો, 4.5 અબજ ડોલરના કૃષિ ઉત્પાદનો અને 50 બોઇંગ વિમાન ખરીદવા માટે સંમત થયું છે. જોકે, આ ખરીદી ક્યારે પૂર્ણ થશે તે જણાવવામાં આવ્યું ન હતું.
ભારત સાથે પણ વાતચીત ચાલી રહી છે: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે પણ વાતચીત એ જ દિશામાં આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, 'ભારત પણ એ જ કરી રહ્યું છે. હવે આપણને ભારતમાં પણ સંપૂર્ણ પ્રવેશ મળી રહ્યો છે. પહેલા આપણી પાસે આ દેશોમાં આવો પ્રવેશ નહોતો. હવે આપણી ટેરિફ નીતિને કારણે આપણને આ મળી રહ્યું છે.'





















