40 સેકન્ડમાં જમીન પર પડ્યું રોકેટ, યુરોપના સ્પેસ પ્રોજેક્ટને ઝટકો, વીડિયો વાયરલ
Spectrum Rocket Crashes After Launch: નોર્વેમાં ઉડાન ભર્યાના માત્ર 40 સેકન્ડ પછી એક રોકેટ ક્રેશ થયું હતું

Spectrum Rocket Crashes After Launch: યુરોપના સ્પેસ પ્રોગ્રામને રવિવારે (30 માર્ચ, 2025) ના રોજ મોટો ઝટકો લાગ્યો હતો. નોર્વેમાં ઉડાન ભર્યાના માત્ર 40 સેકન્ડ પછી એક રોકેટ ક્રેશ થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રોકેટ જમીન પર પડતું જોઇ શકાય છે.
European rocket startup ISAR's Spectrum rocket spun out of control and exploded on impact. pic.twitter.com/h8DitdY0oB
— Space Sudoer (@spacesudoer) March 30, 2025
રિપોર્ટ્સ અનુસાર, આ રોકેટ યુરોપથી સેટેલાઇટ લોન્ચને ઝડપી બનાવવા માટે વિકસાવવામાં આવ્યું હતું. જોકે, ઉડાન ભર્યા પછી તરત જ તે જમીન પર તૂટી પડ્યું હતું. જર્મન સ્ટાર્ટઅપ ઇસાર એરોસ્પેસે તેને પ્રારંભિક પરીક્ષણ ગણાવ્યું હતું.
યુરોપિયન અવકાશ મિશન
રિપોર્ટ અનુસાર, સ્પેક્ટ્રમ રોકેટ યુરોપથી સફળ લોન્ચનો પ્રયાસ કરી રહ્યું હતું. આ મિશન અંગે, સ્વીડન, બ્રિટન અને અન્ય દેશોએ વાણિજ્યિક અવકાશ મિશનમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, ઇસાર એરોસ્પેસે પહેલાથી જ ચેતવણી આપી હતી કે પ્રારંભિક પ્રક્ષેપણ અપેક્ષા કરતા વહેલું સમાપ્ત થઈ શકે છે. રોકેટ વિસ્ફોટ છતાં કંપનીએ કહ્યું કે આ ઘટનાથી મહત્વપૂર્ણ ડેટા મળ્યો જે ભવિષ્યના મિશન માટે ઉપયોગી થશે.
કંપનીનું નિવેદન
એએફપીના રિપોર્ટ અનુસાર, લોન્ચ અગાઉ ઇસાર એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ ડેનિયલ મેટ્ઝલરે કહ્યું હતું કે "દરેક ફ્લાઇટ અમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે અમને ડેટા અને અનુભવ આપે છે. 30 સેકન્ડની ફ્લાઇટ પણ અમારા માટે એક મોટી સિદ્ધિ હશે. તેમણે વધુમાં કહ્યું કે કંપનીને આ પરીક્ષણ દ્વારા ભ્રમણકક્ષામાં પહોંચવાની અપેક્ષા નહોતી. અત્યાર સુધી કોઈ પણ કંપની તેના પ્રથમ ઓર્બિટલ લોન્ચ વ્હીકલને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડી શકી નથી.
સ્પેક્ટ્રમ રોકેટનો હેતુ
નોર્વેના આર્કટિક એન્ડોયા સ્પેસપોર્ટથી લોન્ચ થયેલું સ્પેક્ટ્રમ રોકેટ નાના અને મધ્યમ કદના ઉપગ્રહો (એક મેટ્રિક ટન સુધીના વજન) લોન્ચ કરવા માટે રચાયેલ છે. જોકે, આ પહેલી ટેસ્ટ ફ્લાઇટમાં કોઈ પેલોડ નહોતો. બાવેરિયન ઇસાર એરોસ્પેસે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે આ મિશનનો મુખ્ય હેતુ તેમના સ્વદેશી રીતે બનાવેલા લોન્ચ વાહનની તમામ સિસ્ટમોનું પ્રથમ સંકલિત પરીક્ષણ કરવાનો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયો શેર કરતા NSF (નેશનલ સ્પેસ ફોરમ) એ લખ્યું, "લોન્ચ! ઇસાર એરોસ્પેસનું સ્પેક્ટ્રમ રોકેટ નોર્વેના એન્ડોયા સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું, પરંતુ તે પહેલા તબક્કામાં નિષ્ફળ ગયું." વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોકેટ લોન્ચ થયાના થોડી જ સેકન્ડોમાં વિસ્ફોટ થયો, જેના કારણે આ પરીક્ષણ નિષ્ફળ ગયું હતું.





















