(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના પછી વધુ એક જીવલેણ વાયરસ આવ્યો સામે, ચીનમાં પ્રથમ દર્દીનું થયું મોત
આ વાયરસ કેટલો ઘાતક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, બીજિંગમાં મંકી B વાયરસથી પ્રાણીઓના એક ડોક્ટરનું મોત થયું છે.
સમગ્ર દુનિયા અત્યારે કોરોના સામે લડી રહી છે, ત્યારે વધુ એક જીવલેણ વાયરસ ચીનમાં સામે આવ્યો છે. ચીનમાં મંકી બી નામના વાયરસથી પહેલા દર્દીનું મોત થયું છે. વાંદરાથી ફેલાયેલા મંકી B વાઈરસના સંક્રમણની ઝપેટમાં આવવાથી પ્રાણીઓના એક ડોક્ટરનું મોત નીપજ્યું છે. ચીનમાં આ વાયરસથી મનુષ્યમાં સંક્રમણ ફેલાયું હોવાનો પહેલો કેસ છે.
આ વાયરસ કેટલો ઘાતક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, બીજિંગમાં મંકી B વાયરસથી પ્રાણીઓના એક ડોક્ટરનું મોત થયું છે. જોકે ડોક્ટરના સંપર્કમાં આવેલા લોકો અત્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
53 વર્ષીય ડોક્ટર ઈન્સ્ટિટ્યૂટમાં નોન-હ્યુમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યા હતા. ગત માર્ચમાં તેમણે બે મૃત વાંદરા પર રિસર્ચ કર્યું હતું. આ પછી તેમને ઉબકા અને ઊલટીના શરૂઆતનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, સંક્રમિત ડોક્ટરને ઘણી હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી, પરંતુ બાદમાં 27 મેના રોજ તેનું મૃત્યુ થઈ ગયું.
શું છે મંકી B વાયરસ?
હર્પિસ B વાયરસ અથવા મંકી વાયરસ સામાન્ય રીતે વયસ્ક મેકાક વાંદરાથી ફેલાય છે. એ સિવાય રિસસ મેકાક, ડુક્કરની પૂંછડીવાળા મેકાક અને સિનોમોલગસ વાંદરા અથવા લાંબી પૂંછડીવાળા મેકાકથી પણ આ વાયરસ ફેલાય છે, તેમ ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ ડૉક્ટર વીકે ભારદ્વાજે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, તે મનુષ્યમાં ભાગ્યે જ જોવા મળે છે, કેમ કે આ વાયરસ અત્યારસુધી ભારતના વાંદરામાં નથી આવ્યો. જો કોઈ મનુષ્ય આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો તેને ન્યુરોલોજિકલ બીમારી અથવા મગજ સાથે સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. વાયરસના લક્ષણો મહિનાની અંદર જોવા મળે છે. મનુષ્યમાં વાયરસનાં લક્ષણ એક મહિનાની અંદર અથવા 3થી 7 દિવસમાં પણ જોવા મળે છે. એનાં લક્ષણ તમામ લોકોમાં સમાન નથી હોતાં. સમયસર ખબર પડવાથી સારવાર થઈ શકે છે.
બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રિપોર્ટ પ્રમાણે, આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો લગભગ 70 ટકા દર્દીઓનાં મૃત્યુ થઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, તમને કોઈ વાંદરાએ બટકું ભર્યું હોય અથવા નખ માર્યા હોય તો અને તે B વાયરસનું કેરિયર હોય, તો તમને આ વાયરસનો ચેપ લાગી શકે છે. આવી સ્થિતિમાં તરત પ્રાથમિક સારવાર શરૂ કરી દેવી જોઈએ.
રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે, ઈજાવાળી જગ્યાને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરી લો. મંકી B વાયરસની સારવાર માટે એન્ટી-વાઇરલ દવાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ હજી સુધી કોઈ વેક્સિન નથી બની.