લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ, અનેક એરબેઝ તબાહ, ઓપરેશન સિંદૂરે PAK એરફોર્સને પાંચ વર્ષ પાછળ ધકેલી
ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા

Operation Sindoor: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે જે રીતે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો છે, તેને પાડોશી દેશ દાયકાઓ સુધી ભૂલી શકશે નહીં. ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો પછી ભારતીય સેનાએ પાકિસ્તાની લશ્કરી છાવણીઓ અને એરબેઝને તેમના શસ્ત્રો સહિત એટલું નુકસાન પહોંચાડ્યું છે કે પાકિસ્તાનને 5 વર્ષ પાછળ ધકેલી દીધું છે. ભારત દ્વારા આ કાર્યવાહી 6-7 મેની રાત્રે બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા પછી શરૂ થઈ હતી.
પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા
ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પછી પાકિસ્તાને ડ્રોન હુમલાથી ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે આકાશમાં જ નષ્ટ કર્યા હતા. આ પછી ભારતીય વાયુસેનાએ વળતો પ્રહાર કર્યો અને 9-10 મેની રાત્રે ચકલાલા અને સરગોધાથી લઇને રહીમયાર ખાન અને કરાચી સુધીના પાકિસ્તાની હવાઈ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓ એર-લોન્ચ ક્રુઝ મિસાઇલો, સ્ટેન્ડઓફ હથિયારો અને હારોપ અને હાર્પી જેવા શસ્ત્રોથી કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાની રડારોને ભારે નુકસાન થયું
સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, ભારતના હુમલાઓએ પાકિસ્તાનના રડાર કવરેજની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમનો નાશ કર્યો. એટલું જ નહીં, ભારતમાં બનેલા શસ્ત્રોએ પાકિસ્તાનને મદદ કરતા તુર્કી અને ચીની શસ્ત્રોની પોલ ખોલી દીધી હતી. ભારતીય શસ્ત્રોએ લાહોર નજીક ચીન દ્વારા પૂરા પાડવામાં આવેલા મુખ્ય HQ-9 મિસાઇલ સ્થળો અને રડાર સ્ટેશનોનો નાશ કર્યો, જેના કારણે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમમાં મોટો અવરોધ ઊભો થયો હતો.
તુર્કી અને ચીની શસ્ત્રોની ખુલી ગઇ પોલ
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની વાયુસેનાને તેની સરહદોની અંદર ઉડાન ભરવાની ફરજ પડી હતી, કારણ કે તેઓ ભારતીય સરહદો પર તૈનાત S-400 અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમથી ડરતા હતા. ભારતની જૂની L-70 અને ZU-23 બંદૂકોએ પણ તુર્કી અને ચીન દ્વારા પાકિસ્તાનને પૂરા પાડવામાં આવેલા ડ્રોનને તોડી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 9 મે સુધીમાં ભારતે પાકિસ્તાનના ચકલાલા, મુરીદકે અને સરગોધા એરબેઝ પર કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમને સંપૂર્ણપણે નાશ કરી દીધી હતી.
ભારતીય ફાઇટર જેટ મિરાજ, રાફેલ, SU-30 અને MiG-29 એ ચોકસાઈ સાથે રેમ્પેજ અને સ્કેલ્પ મિસાઇલો છોડી હતી. આ હુમલાને કારણે પાકિસ્તાની વાયુસેના કાર્યક્ષમ રહી ન હતી, જેના કારણે પાકિસ્તાની દળો એકબીજા સાથે યોગ્ય રીતે વાતચીત કરી શક્યા નહીં. 10 મેની સવાર સુધીમાં પાકિસ્તાનની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તેના રડાર અને C2 સિસ્ટમનો નાશ થતાં પાકિસ્તાને ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામની માંગણી કરી હતી.





















