અમેરિકામાં ફરી કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધારે નવા કેસ નોંધાયા
અમેરિકામાં કેટલીક જગ્યાઓ પર કોરોનાથી થતાં મોતના આંકડા આખી મહામારી દરમિયાન હાલમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે માથું ઊંચકતા કેટલાક દિવસથી દૈનિક સરેરાશ દોઢ લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને અંદાજે 1500 લોકો મોતને ભેટી રહ્યા છે. એવામાં અમેરિકા ફરી પાછું કોરોનાની ભયાનક સ્થિતિમાં પહોંચી ગયું છે. વધુમાં અમેરિકામાં સ્કૂલો ખુલતાં જ છેલ્લા સાત દિવસમાં અઢી લાખથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
અમેરિકામાં કેટલીક જગ્યાઓ પર કોરોનાથી થતાં મોતના આંકડા આખી મહામારી દરમિયાન હાલમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. કોરોનાના કેસ ઘટતાં એક સમયે શરૂ થયેલી સ્કૂલો ફરી બંધ થવા લાગી છે. માસ્ક અને રસીની જરૂરિયાતો અંગે કાયદાકીય લડાઈ અને હિંસા શરૂ થઈ ગઈ છે.
એક સમયે કોરોનાના કેસ ઘટતાં નિયંત્રણોમાં ભારે છૂટછાટ આપનારા બાઈડેન પ્રશાસને નવા નિયંત્રણોની જાહેરાત કરવી પડી છે, જેમાં રસીકરણ અને માસ્કને ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે.અમેરિકામાં કોરોનાના નવા 1.60 લાખથી વધુ કેસ આવ્યા હતા અને વધુ 2 હજાર જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 4.15 કરોડને પાર થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 91.41 લાખને પાર થઈ ગઈ છે.
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 6.74 લાખથી વધુ થયો છે. એક અંદાજ મુજબ ૧લી ડિસેમ્બર સુધીમાં અમેરિકામાં મૃત્યુઆંક 7.5 લાખથી વધુ થઈ શકે છે. જુલાઈમાં પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં સમારંભ યોજી કોરોનાથી મુક્તિનો ઉત્સવ ઊજવ્યો હતો, પરંતુ થોડાક જ સમયમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે દેશને ફરીથી કોરોનાના અજગર ભરડામાં ધકેલી દીધો.
આખા જૂન મહિનામાં કોરોનાના અંદાજે ચાર લાખ કેસ સામે આવ્યા હતા જ્યારે ઑગસ્ટમાં આ આંકડો 42 લાખને પાર પહોંચી ગયો. આ સમય દરમિયાન 26,800 લોકોનાં મોત થઈ ગયા હતા. ડેલ્ટા વેરિઅન્ટથી પહેલાની સરખામણીમાં નાની વયના લોકોના મોતનું પ્રમાણ વધ્યું છે.