Uttarakhand: ભારતીય સરહદ પર નેપાળે જમીન પર કર્યો કબજો, મકાન અને દુકાનો બનાવી
ઉત્તરાખંડના ચંપાવતમાં ભારત નેપાળ સરહદ પર નેપાળે વન વિભાગની પાંચ હેક્ટર જમીન પર દબાણ કર્યું છે
Uttarakhand News: ઉત્તરાખંડના ચંપાવતમાં ભારત નેપાળ સરહદ પર નેપાળે વન વિભાગની પાંચ હેક્ટર જમીન પર દબાણ કર્યું છે. આ માહિતી આપતાં સશસ્ત્ર સીમા દળ (SSB)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોર્સે આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલી દીધો છે. આ સાથે જ રાજ્યના વન વિભાગે નેપાળના અતિક્રમણને લઈને સરકારને રિપોર્ટ પણ મોકલ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, નેપાળ હાલમાં ભારતીય જંગલ વિસ્તારના લગભગ પાંચ હેક્ટરમાં અતિક્રમણ કરી રહ્યું છે અને છેલ્લા ત્રણ દાયકામાં આ જમીન પર અતિક્રમણ હેઠળ પાકા બાંધકામ સાથે કામચલાઉ ઝૂંપડીઓ અને દુકાનો પણ બનાવવામાં આવી છે.
30 વર્ષથી અતિક્રમણ ચાલી રહ્યું છેઃ વન વિભાગ
સશસ્ત્ર સીમા દળ (SSB)ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અભિનવ તોમરે ભારતીય જમીન પર નેપાળના અતિક્રમણ વિશે કહ્યું કે, તાજેતરમાં જ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે નેપાળના અતિક્રમણનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. હવે સર્વે ઓફ ઈન્ડિયા અને સર્વે ઓફ નેપાળની ટીમો જ સર્વે કરીને તેનો ઉકેલ લાવશે. બીજી તરફ વન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લાના ટનકપુર શારદા રેન્જને અડીને આવેલા ભારત-નેપાળ સરહદના શારદા ટાપુ સહિત બ્રહ્મદેવના અનેક સ્થળો પર નેપાળ દ્વારા છેલ્લા 30 વર્ષથી અતિક્રમણ કરવામાં આવ્યું છે.
સરહદ પર ઘણી વખત વિવાદ થયો છે - ટનકપુર રેન્જર
ટનકપુર રેન્જર મહેશ બિષ્ટે જણાવ્યું હતું કે નેપાળે સરહદ પર ભારતીય જંગલ વિસ્તારમાં લગભગ પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે. બિષ્ટે કહ્યું કે નેપાળના પાકા મકાનોની સાથે અતિક્રમણની જગ્યાઓ પર અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ જમીનને લઈને સરહદ પર ઘણી વખત વિવાદ થયો છે. બિષ્ટે કહ્યું કે વન વિભાગે તેના સ્તરેથી ઉત્તરાખંડ સરકાર અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને પણ અહેવાલ મોકલ્યો છે.
ત્રણ વખત રિપોર્ટ મોકલવામાં આવ્યો છે: અધિકારી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, SSB અને વન વિભાગ દ્વારા 2010 અને 2021 વચ્ચે ત્રણ વખત ગૃહ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારને નેપાળ દ્ધારા દબાણ કરાયેલી જમીનના અહેવાલો મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગયા મહિને ભારત અને નેપાળના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પરસ્પર સહમતિ બાદ બંને દેશોની બોર્ડર સર્વે ટીમો દ્વારા સર્વેની વાત કરવામાં આવી હતી.