Exclusive : BZ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો
રાજ્યમાં ચર્ચા જગાવનાર BZ ફાયનાન્સિયલ સર્વિસના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયા બાદ આ કેસમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નામ પણ સામે આવ્યું છે. મંત્રી ભીખુસિંહ પરમાર અને તેમના પુત્ર પર ભૂપેન્દ્રસિંહ ઝાલાના મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી હોવાનો આરોપ છે. આ વિવાદમાં પહેલીવાર મંત્રી ભીખુસિંહ પરમારે abp અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં પોતાનું મૌન તોડ્યું છે.
મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને માત્ર ભારતીય જનતા પાર્ટીના કારણે ઓળખતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમના પુત્રએ BZના એજન્ટ તરીકે કોઈ કામ કર્યું નથી અને તેમણે કે તેમના પુત્રએ BZમાં કોઈ રોકાણ પણ કર્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, તેમના વિસ્તારના કોઈ લોકોએ મને BZની ફરિયાદ મને કરી નથી.
મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે, તેમનો પુત્ર અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એક ટ્રસ્ટમાં સાથે છે એનો અર્થ એ નથી કે તેઓ ગુનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ 2022થી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઓળખે છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 2022માં હિંમતનગર અને મોડાસા બે બેઠક પરથી ટિકિટ માગી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના શૈક્ષણિક સંકુલના એકમાત્ર કાર્યક્રમમાં ગયા હતા. મંત્રીએ આગળ જણાવ્યું કે, હવેથી કોઈપણ કાર્યક્રમમાં જતા પહેલા જે તે વ્યક્તિની વધુ ચકાસણી કરશે.