શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી દ્વારા ટ્રેન અપહરણ કરાયા બાદ પાકિસ્તાનમાં હિંસક ઘટનાઓની લહેર, સેનાના કાફલા અને મસ્જિદોને પણ નિશાન બનાવાયા

Pakistan terror attacks: પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ અત્યંત તંગ છે, જ્યાં પાકિસ્તાની સેના પર હુમલાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. 11 માર્ચે બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા જાફર એક્સપ્રેસ ટ્રેનના હાઇજેકિંગની ઘટના બાદ, દેશના વિવિધ ભાગોમાંથી બોમ્બ વિસ્ફોટ અને અથડામણના અનેક સમાચાર સામે આવ્યા છે. હાઇજેકિંગની ઘટનાના માત્ર 12 કલાકની અંદર જ પાકિસ્તાનમાં 19 જેટલા હુમલાઓ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે દેશભરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
રવિવારે બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના એક કાફલા પર ઘાતક હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 7 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા અને 35 થી વધુ જવાનો ઘાયલ થયા હતા. જો કે આ હુમલાની તાત્કાલિક જવાબદારી કોઈ પણ સંગઠને લીધી નથી, પરંતુ આ હુમલા પાછળ પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA)નો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. BLAએ તાજેતરમાં પાકિસ્તાન આર્મીના 90 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો.
ટ્રેન હાઇજેક થયા પછી હુમલાઓની વણઝાર શરૂ થઈ ગઈ છે. 11 માર્ચે જાફર એક્સપ્રેસના અપહરણ બાદ, 12 કલાકમાં જ પાકિસ્તાનમાં 19 હુમલાઓએ દેશને હચમચાવી નાખ્યો હતો. આ પહેલાં, શનિવારે પાકિસ્તાનના ક્વેટામાં એક IED બ્લાસ્ટ થયો હતો, જેમાં આતંકવાદ વિરોધી દળનો એક સૈનિક શહીદ થયો હતો અને છ અન્ય ઘાયલ થયા હતા. તે જ દિવસે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બે અલગ-અલગ અથડામણમાં ઓછામાં ઓછા નવ આતંકવાદીઓ અને બે સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, શનિવારે આ પ્રાંતમાં એક મદરેસા અને મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં એક મૌલવી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના 24 કલાક પહેલાં જ, શુક્રવારે પ્રાંતની અન્ય એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં મુફ્તી મુનીર શાકિરને ઈજા પહોંચી હતી અને અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગણી કરતું સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ મંગળવારે પેશાવર જતી જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી, જેમાં 400થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના સુરક્ષા કર્મચારીઓ હતા. આ ઘટનાના એક દિવસ બાદ, BLAએ બલૂચ રાજકીય કેદીઓ અને કાર્યકરોને મુક્ત કરવા માટે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, આ હાઇજેક ઓપરેશન લગભગ 36 કલાક ચાલ્યું હતું, જેમાં તમામ BLA લડવૈયાઓને ઠાર માર્યા બાદ બંધકોને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, આ ઘટના બાદ થયેલા હુમલાઓએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
