પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને PM મોદીએ આપી શુભેચ્છા, સાથે જ કહી આ વાત
પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે,
પીએમ મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે, જેથી અમે અમારા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને અમારા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ." શાહબાઝે લગભગ 10 વાગ્યે PM તરીકે શપથ લીધા.
આ પહેલા શાહબાઝ શરીફે પીએમ તરીકે ચૂંટાયા બાદ જ વિદેશ નીતિ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે નેશનલ એસેમ્બલીને કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ કાશ્મીર મુદ્દાના ઉકેલ વિના તે હાંસલ કરી શકાય નહીં.
નવા PMએ કહ્યું, "જ્યારે પાકિસ્તાને ભારતમાં પાંચ બ્લાસ્ટ કરીને ભારતના દાંત ખાટા કર્યા હતા અને પાકિસ્તાનની ટીકા થઈ રહી હતી, ત્યારે સાઉદી અરેબિયાએ અમારું સમર્થન કર્યું હતું. સાઉદી અરેબિયા વિના કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય તેમ નથી.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શાહબાઝ શરીફની તરફેણમાં સંસદમાં 174 મત પડ્યા હતા. આ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પીએમ પદ પરથી હટાવવામાં આવેલા ઈમરાન ખાનની પાર્ટીનો એક પણ સાંસદ ગૃહમાં હાજર નહોતો. 342 સભ્યોના ગૃહમાં જીત માટે ઓછામાં ઓછા 172 સભ્યોના સમર્થનની જરૂર હતી.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહેલા ઈમરાન ખાન સંસદ તો પહોંચ્યા પણ તેની થોડી વાર પછી તેઓ સંસદમાંથી નિકળી ગયા હતા. ત્યાર બાદ તેમના સમર્થક સાંસદો પણ સંસદમાંથી બહાર આવી ગયા હતા. બહાર આવીને તેમણે જણાવ્યું કે તેઓ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરી રહ્યા છે. તે બાદ હવે તમામ વિપક્ષી સાંસદો નવા પીએમને ચૂંટવા માટે સંસદમાં હાજર હતા. હાલ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ઘણા સાંસદો પોતાના રાજીનામાં આપી ચુક્યા છે. બાકી રહેલા સાંસદો પણ પોતાનું રાજીનામું આપી રહ્યા છે. આ માહિતી ખુદ ઈમરાન ખાને આપી હતી.