Pak Air Force : તો બાલાકોટમાં અમે ભારતના 8 યુદ્ધ વિમાનો તોડી પાડ્યા હોત પરંતુ...
આ અવસર પર પાકિસ્તાન વાયુસેનાના પૂર્વ ચીફ એર માર્શલ સોહેલ અમાને બાલાકોટ હુમલાની ઘટનાને યાદ કરી પાક વાયુસેનાની ડિંગાઈ હાંકી હતી.
Pakistan Air Force on Balakot : ગરીબી અને ભૂખમરાની આરે ઉભેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ ભારત સાથે વાતચીત કરવા તરસી રહ્યાં છે. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સાથે ત્રણ યુદ્ધો કર્યા અને તેનો પાઠ શીખ્યો છે. પરંતુ પાકિસ્તાની સેનાપતિઓ અને અધિકારીઓ ભિખારી બનવા તૈયાર છે પણ ભારત સાથે વાતચીત કરવાના મૂડમાં નથી. તેમના મનમાંથી હજુ પણ યુદ્ધનું ભૂત ઊતરતું જ નથી.
જ્યારે પાકિસ્તાન નાદારીની અણી પર છે ત્યારે શહેબાઝ શરીફ ભારત સાથે શાંતિ ઇચ્છે છે. આ અવસર પર પાકિસ્તાન વાયુસેનાના પૂર્વ ચીફ એર માર્શલ સોહેલ અમાને બાલાકોટ હુમલાની ઘટનાને યાદ કરી પાક વાયુસેનાની ડિંગાઈ હાંકી હતી. પૂર્વ એરફોર્સ ચીફ એર માર્શલ સોહેલ અમાને લાહોરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તે સમયે પાકિસ્તાન ભારતીય વાયુસેનાના 8 વધુ ફાઈટર જેટને તોડી પાડી શક્યું હોત. સોહેલ અમાનનો દાવો છે કે, પાકિસ્તાન તણાવ વધારવા માગતું ન હતું તેથી તેણે આમ નહોતુ કર્યું.
ઉલ્લેખનીય છે કે, આર્થિક ગરીબીમાં ફસાયેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે લોકો લોટ માટે રસ્તા પર જાહેરમાં જ બાખડી રહ્યા છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર 4.5 અબજ ડોલર જ રહી ગયો છે. પાકિસ્તાનના પીએમ મદદની આશા સાથે પાંખો ફેલાવીને દુનિયાના દેશોમાં ચક્કર લગાવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ડૉલરના અભાવે પાકિસ્તાન બંદરમાં જહાજો પર જે ઘઉં ઉભું છે તે પણ ખરીદી શકતું નથી.
ભારત સાથે યુદ્ધ કરીને પાકિસ્તાને પાઠ શીખ્યો
આ સ્થિતિમાં પાકિસ્તાનને ભારત સાથે દુશ્મનાવટની કિંમત સમજાઈ છે. શાહબાઝ શરીફે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા અને હવે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. અલ અરેબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં નિયર શરીફે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન પાડોશી છે અને બંનેએ એકબીજા સાથે રહેવું જોઈએ. દુ:ખી શાહબાઝે ભારતને લઈને કહ્યું હતું કે, હવે એ આપણા પર નિર્ભર કરે છે કે આપણે શાંતિથી જીવીએ છીએ, પ્રગતિ કરીએ છીએ કે એકબીજા સાથે લડવામાં આપણો સમય અને સંસાધન વેડફીએ છીએ. શાહબાઝે કહ્યું કે ભારત સાથે અમારે ત્રણ યુદ્ધ થયા, જેના કારણે અમારી પાસે ગરીબી અને બેરોજગારી આવી. અમે તેમાંથી પાઠ શીખ્યા. હવે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ અને અમારી સમસ્યાઓ હલ કરવા માંગીએ છીએ. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે 16 જાન્યુઆરીએ આ નિવેદન આપ્યું હતું.
લશ્કરી નેતૃત્વ બડાઈ હાંકવામાંથી ઉંચુ નથી આવતુ
પરંતુ પાકિસ્તાનની આર્થિક સ્થિતિથી બેખબર આ દેશના લશ્કરી અધિકારીઓ જનતાની સામે બડાઈ મારતા હતા અને ખોટી તસવીર રજૂ કરી રહ્યા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલ સોહેલ અમાને રવિવારે લાહોરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પુલવામા કટોકટી દરમિયાન પાકિસ્તાન ભારતને મોટો પાઠ શીખવી શક્યું હોત પરંતુ તેણે સંયમ બતાવ્યો કારણ કે તે તણાવ વધારવાનો ઇરાદો નહોતો. પાકિસ્તાન આર્મીની પરંપરા મુજબ બાલાકોટ હુમલાની ખોટી તસવીર રજૂ કરતાં સોહેલ અમાને કહ્યું હતું કે, ફેબ્રુઆરી 2019માં પુલવામાની ઘટના બાદ સર્જાયેલી કટોકટીમાં પાકિસ્તાને વધુ સારી રણનીતિ અને નિર્ણાયક નેતૃત્વને કારણે ભારત પર વિજય મેળવ્યો હતો. તેમણે બાલાકોટમાં આતંકવાદી છાવણીઓ પર ભારતની સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે, આઠ ભારતીય એરક્રાફ્ટ અમારી રેન્જમાં હતા, તેમની દરેક હિલચાલ ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી દ્વારા ટ્રેક કરવામાં આવી રહી હતી અને અમે તેમને બરાબરનો પાઠ શીખવી શક્યા હોત, પરંતુ અમે વિવાદને આગળ વધારવા માંગતા નહોતા.
જાણો બાલાકોટની આખી હકીકત
પાકિસ્તાનના આ સૈન્ય અધિકારીની ગપ્પમગપની વાત પર નજર કરો તો પાકિસ્તાન એરફોર્સે કથિત રીતે રેન્જમાં આવવા છતાં 8 ભારતીય વિમાનો છોડી દીધા હતા. પાકિસ્તાનનો આ દાવો કેટલો હાસ્યાસ્પદ છે તે એ હકીકત પરથી સમજી શકાય છે કે, જ્યારે ભારતે 26 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે બાલાકોટ પર હુમલો કર્યો હતો, ત્યારે પાકિસ્તાનની વાયુસેનાને તેની જાણ સુદ્ધાં નહોતી થઈ. બાલાકોટ પર બોમ્બ બ્લાસ્ટ કરીને ભારતના મિરાજ યુદ્ધ વિમાનો પાછા ફર્યા હતાં અને પાકિસ્તાનની એરફોર્સને તેની જાણ સુદ્ધાં ન થઈ. તેમજ ભારતના ફાઈટર જેટ્સ અને ફાઈટર પાઈલટોને કોઈ નુકસાન પણ નહોતુ થયું.
આ હુમલાથી નારાજ પાકિસ્તાને બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સરહદ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની એલર્ટ એરફોર્સે પાકિસ્તાની એરફોર્સનો પીછો કર્યો હતો. આ દરમિયાન વિંગ કમાન્ડર (હવે ગ્રુપ કેપ્ટન) અભિનંદન વર્ધમાન પોતાના મિગ-21 બાઇસન ફાઇટર એરક્રાફ્ટ સાથે પાકિસ્તાની ફાઇટર એરક્રાફ્ટનો પીછો કરતા પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન અભિનંદને પાકિસ્તાનના F-16 ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. જોકે, યુદ્ધ દરમિયાન તેને પાકિસ્તાનની સરહદમાં લેન્ડ કરવું પડ્યું હતું. બાદમાં પાકિસ્તાની સેનાએ તેની ધરપકડ કરી હતી. બાદમાં 1 માર્ચની રાત્રે પાકિસ્તાને અભિનંદનને મુક્ત કરવો પડ્યો હતો.