રશિયાનું Luna 25 ચંદ્ર પર પહોંચે તે પહેલા જ ડગમગ્યુ, 47 વર્ષ બાદ સક્સેસ મળશે કે નહીં ? રશિયા ચિંતિત
લૂના-25 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું છે. રશિયન સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ પહેલા તેને ભ્રમણકક્ષામાં મોકલવા માટે આજે બપોરે થ્રસ્ટ છોડવામાં આવ્યો હતો.
Russia Luna 25: અત્યારે સ્પેસમાં એક મોટી ઇન્ટરેસ્ટિંગ સ્ટૉરી લખાઇ રહી છે, એકબાજુ ભારત છે, તો બીજીબાજુ રશિયા, આ બન્ને દેશો ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર ઉતરાણ કરવા માટે મથી રહ્યાં છે. હાલમાં ભારતનું ચંદ્રયાન-3 અને રશિયાનું લૂના-25 ચંદ્રની નજીક પહોંચી ચૂક્યુ છે, અને બન્ને આગામી દિવસોમાં ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે. ભારતના ચંદ્રયાન-3ની સાથે રશિયાનું લૂના-25 પણ ચંદ્ર પર ઉતરવા માટે આગળ વધી રહ્યું છે. જોકે, શનિવારે (19 ઓગસ્ટ) લૂના-25માં ટેકનિકલ ખામીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રશિયન સ્પેસ એજન્સી રૉસકોસ્મોસે કહ્યું કે શનિવારે ચંદ્ર પર ઉતરતા પહેલા લૂના-25ની તપાસ દરમિયાન ઈમરજન્સીની જાણ થઈ છે.
લૂના-25 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું છે. રશિયન સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ પહેલા તેને ભ્રમણકક્ષામાં મોકલવા માટે આજે બપોરે થ્રસ્ટ છોડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઓટૉમેટિક સ્ટેશન પર ઇમર્જન્સીની સ્થિતિ સર્જાઈ અને તેના કારણે મિશનનો મેન્યૂવર પુરો થઈ શક્યો નથી.
11 ઓગસ્ટે કર્યુ હતુ લૉન્ચ -
રશિયા લગભગ 50 વર્ષમાં આ પ્રકારનું પ્રથમ મિશન કરી રહ્યું છે. તે 11 ઓગસ્ટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. લૂના-25ને બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાન આપવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી બાદ નિષ્ણાતોની ટીમ હાલમાં પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહી છે. આ ઉપરાંત સ્પેસ એજન્સી દ્વારા અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.
શું લૂના-25ના લેન્ડિંગમા થશે મોડુ ?
Roscosmos એ જણાવ્યું નથી કે શું ઘટના સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૂના-25ના નિર્ધારિત ઉતરાણમાં વિલંબ કરશે. રશિયન મિશન ચંદ્ર પર એક વર્ષ સુધી રહેવાની ધારણા છે, જ્યાં તેને નમૂનાઓ એકત્રિત કરવા અને માટીનું વિશ્લેષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. લૂના-25 લેન્ડર પરના કેમેરા પહેલાથી જ અવકાશમાંથી પૃથ્વી અને ચંદ્રની દૂરની તસવીરો લઈ ચૂક્યા છે. જૂનમાં, રોસકૉસમૉસના વડા યુરી બોરીસોવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે આવા મિશન જોખમી છે અને તેમની સફળતાની શક્યતા લગભગ 70 ટકા છે. રોસકૉસ્મોસે જણાવ્યું હતું કે લેન્ડિંગ માટે ભ્રમણકક્ષામાં જતા પહેલા લૂના-25 અવકાશયાનને ‘અસામાન્ય પરિસ્થિતિ’નો સામનો કરવો પડ્યો હતો. લૂના-25 અવકાશયાન સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવા જઈ રહ્યું છે. ચંદ્રના આ ભાગની વધુ તપાસ કરવામાં આવી નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જગ્યાએ બરફના રૂપમાં મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે. આ સિવાય ઘણી કિંમતી ધાતુઓ પણ અહીં હાજર છે. લૂના-25 મિશન દ્વારા રશિયા 47 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર જઈ રહ્યું છે.
ચંદ્રયાન-3 પણ પહોંચ્યુ ચંદ્રની નજીક -
ઉલ્લેખનીય છે કે, ભારતનું ચંદ્રયાન-3 પણ ચંદ્રની નજીક પહોંચી ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે કહ્યું કે ચંદ્રયાન-3 ના લેન્ડર મૉડ્યૂલ (LM) ને ચંદ્રની નજીક લઈ જનાર ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને તેની સ્થિતિ સામાન્ય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરનું સૉફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટના રોજ અપેક્ષિત છે.