(Source: ECI/ABP News/ABP Majha)
Ukraine-Russia War: યુદ્ધ વચ્ચે રશિયાનું મોટું નિવેદન, કહ્યું યુક્રેનમાં સરકાર ઉથલાવવાનો અમારો ઈરાદો નથી
Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. એજન્સી RIAએ કહ્યું કે ગુરુવારે રશિયન અને યુક્રેનિયન વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠક બાદ ચોથા રાઉન્ડની વાતચીત થવાની સંભાવના છે.
Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બુધવારે કેટલાક આશાવાદી સંકેતો મળ્યા છે. બુધવારે રશિયાએ કહ્યું કે તેનો હેતુ યુક્રેનની સરકારને ઉથલાવી દેવાનો નથી. રશિયાએ એમ પણ કહ્યું કે યુક્રેન સાથેની વાતચીતમાં થોડી પ્રગતિ થઈ છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું, "કેટલીક પ્રગતિ થઈ છે." સમાચાર એજન્સી એએફપી અનુસાર, અધિકારી ત્રણ રાઉન્ડની વાતચીતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ઝાખારોવાએ જણાવ્યું હતું કે રશિયન સૈન્યને "વર્તમાન સરકારને ઉથલાવી નાખવાનું" કામ સોંપવામાં આવ્યું નથી.
ચોથા રાઉન્ડની વાતચીત થઇ શકે છે
એજન્સી RIAએ જણાવ્યું હતું કે ગુરુવારે રશિયન અને યુક્રેનિયન વિદેશ પ્રધાનો વચ્ચેની બેઠક બાદ રશિયા અને યુક્રેન વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થવાની સંભાવના છે.
પશ્ચિમને રશિયાની ચેતવણી
અગાઉ બુધવારે,રશિયાએ પશ્ચિમને ચેતવણી આપી હતી કે તે પ્રતિબંધોના વ્યાપક પ્રતિસાદ પર કામ કરી રહ્યું છે જે પશ્ચિમના સૌથી સંવેદનશીલ પ્રદેશોમાં ઝડપથી અનુભવાશે. વિદેશ મંત્રાલયના આર્થિક સહકાર વિભાગના ડિરેક્ટર દિમિત્રી બિરિચેવસ્કીએ RIA ન્યૂઝ એજન્સી દ્વારા ટાંકીને જણાવ્યું હતું, "રશિયાનો પ્રતિસાદ ઝડપી, વિચારશીલ અને સંવેદનશીલ હશે."
ઝેલેન્સ્કીએ બ્રિટિશ સંસદમાં સંબોધન કર્યું
અગાઉ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વીડિયો લિંક દ્વારા 'હાઉસ ઓફ કોમન્સ'માં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. તેમણે યુકેના ધારાસભ્યોને રશિયાને "આતંકવાદી રાજ્ય" જાહેર કરવા વિનંતી કરી અને કહ્યું કે યુક્રેન સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે મોસ્કો પર સખત પ્રતિબંધો લાદવાની હાકલ કરી. ઝેલેન્સ્કીએ હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોને સીધા સંબોધિત કર્યા.