Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ચોમાસાની વિદાય સમયે હાલ છૂટછવાયો રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 2 દિવસ દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં છુટછવાયા વરસાદી ઝાપટાનું અનુમાન છે.

Gujarat Rain Forecast:રાજ્યના 18 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય-ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદના કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. તો વડોદરા,છોટા ઉદેપુરમાં સામાન્ય વરસાદ પણ વરસી શકે છે,દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત જિલ્લાના કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ સામાન્ય વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં હાલ વધુ એક સિસ્ટમ સક્રિય થતાં 2 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં આ ડેમ થયા ઓવરફ્લો
રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો કચ્છ-સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
Good News: અમેરિકા જવા ઇચ્છુક માટે મોટા સમાચાર, ભારતીયો માટે 2.5 લાખ ન્યૂ વિઝા સ્લોટની જાહેરાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
