રશિયા, યુક્રેન અને અમેરિકાઃ જાણો ત્રણ દેશોની કઈ મહત્વકાંક્ષાઓથી ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી થઈ
બે દેશો વચ્ચે ચાલી રહેલી જંગમાં મહાશક્તિ દેશો વચ્ચે મતભેદ વધી ગયા છે. હાલની સ્થિતિ પ્રમાણે પરમાણુ યુદ્ધનો પણ ખતરો તોળાઈ રહ્યો છે.
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયું છે. વ્લાદિમીર પુતિને યુક્રેન પર કરેલા હુમલાઓથી વૈશ્વિક સ્તર ઉપર શાંતિ ભંગ થવા અંગે ચિંતા વધી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અશાંતિ અને અસ્થિરતાની આશંકા સેવાઈ રહી છે. બે દેશો વચ્ચે ચાલી રહેલી જંગમાં મહાશક્તિ દેશો વચ્ચે મતભેદ વધી ગયા છે. હાલની સ્થિતિ પ્રમાણે પરમાણુ યુદ્ધનો પણ ખતરો તોળાઈ રહ્યો છે. યુરોપમાં ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિ ઉભી થઈ રહી છે. રશિયા અને યુક્રેનના આ વિવાદના મૂળને પણ સમજવું જરુરી છે. હકિકતમાં વર્ષ 1991માં યુક્રેને સોવિયેત સંઘથી અલગ થઈને સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. હવે યુક્રેન અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય સંગઠન નાટો (NATO)માં સભ્ય બનવા માંગે છે. પરંતુ રશિયાને આ વાત પસંદ નથી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નથી ઈચ્છતા કે, યુક્રેન નાટોની વિસ્તાર યોજનામાં જોડાય.
યુક્રેન અને રશિયા વચ્ચે ટક્કરની શરુઆતઃ
યુક્રેન પણ પહેલાં પૂર્વના સોવિયેત સંઘનો ભાગ હતું. યુક્રેનની બોર્ડર પશ્ચિમમાં યુરોપ અને પૂર્વમાં રશિયા સાથે જોડાય છે. યુક્રેનની પશ્ચિમી દેશો સાથેની દોસ્તી રશિયાને નથી ગમતી. વર્ષ 2013થી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધ્યો હતો. યુક્રેનના તત્કાલિન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચને એ સમયમાં રશિયાનું સમર્થ હતું જેથી યુક્રેનના નાગરિકોએ રાજધાની કિવમાં રાષ્ટ્રપતિ વિક્ટર સામે મોટું વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેથી તેમને વર્ષ 2014માં દેશ છોડીને ભાગવું પડ્યું હતું. દેશ છોડીને ભાગવામાં મજબૂર થવા માટે અમેરિકા અને બ્રિટનને પણ કારણ ગણવામાં આવે છે. ત્યાર બાદ રશિયાએ ક્રીમિયા પર કબ્જો કર્યો હતો અને અલગાવવાદીઓને સમર્થન આપવાનું શરુ કર્યું હતું. ઘણાં વર્ષોથી યુક્રેનની સેના અને અલગાવવાદીઓ વચ્ચે ટક્કરની સ્થિતિ જોવા મળે છે.
અમેરિકા, NATO અને પુતિનઃ
પશ્ચિમી દેશોએ યુક્રેનમાં અલગાવવાદીઓ સાથેનો તણાવ રોકવા માટે સંઘર્ષ વિરામ અને શાંતિ સ્થાપિત કરવા માટે પહેલ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી નહોતી. ત્યાર બાદ યુક્રેને નાટો સાથે સારા સંબંધો વિકસાવ્યા અને નાટોનો સભ્ય દેશ બનવા માટેના પ્રયત્નો વધાર્યા હતા. પરંતુ રશિયા ઈચ્છે છે કે, યુક્રેન નાટોનું સભ્ય ના બને અને આ વાતને લઈને તે અમેરિકા અને નાટોની બાંહેધરી પણ ઈચ્છે છે. પરંતુ આ વાત સાથે અમેરિકા સહમત ન થતાં તણાવ વધી ગયો હતો. અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા અને યુક્રેનમાં અલગાવવાદી પ્રાંતો પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા.
અમેરિકા અને બ્રિટેન સહિત વિશ્વના 30 દેશ નાટો (NATO)ના સભ્ય છે અને નાટો પોતાના સંગઠનમાં વધુ દેશોને જોડવા માંગે છે જેમાં યુક્રેનનો પણ સમાવેશ થાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નાટોની વિસ્તાર યોજના રોકવા માટે અમેરિકા અને પશ્ચિમી દેશો પર સતત દબાવ વધારી રહ્યું છે. યુક્રેન પર થયેલા હુમલા બાદ રશિયાને દબાવવા માટે પણ હાલ અમેરિકાએ ઘણા પ્રતિબંધ લગાવ્યા છે અને પુતિનને આ યુદ્ધનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે.