Russia-Ukraine War: રશિયા સામે યુક્રેનને મજબૂત કરવા લાગ્યા અમેરિકા-યુરોપના દેશો, જાણો ક્યા દેશે યુક્રેનને કઇ આપી મદદ?
યુક્રેનની મદદ માટે બેલ્જિયમ પણ આગળ આવ્યું છે. બેલ્જિયમ રોમાનિયામાં 300 સૈનિકો તૈનાત કરી રહ્યું છે
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત ચોથા દિવસે ચાલી રહ્યું છે. રશિયા યુક્રેનની રાજધાની કીવ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના અનેક લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે.
એક રિપોર્ટ અનુસાર રશિયા કીવ પર જલદી કબજો કરી લેશે. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિનું કહેવું છે કે હજુ સુધી કીવ યુક્રેનના કબજામાં છે. યુદ્ધની વિકટ સ્થિતિ વચ્ચે અનેક દેશો યુક્રેનની મદદે આવ્યા છે. રશિયા સામેના યુદ્ધમાં અનેક દેશોએ યુક્રેનને આર્થિક મદદ અને હથિયાર મોકલ્યા છે. અમેરિકા,બ્રિટન સહિતના 28 દેશ યુક્રેનને અત્યાધુનિક હથિયારો મોકલવા માટે તૈયાર થયા છે. તે સિવાય મેડિકલ સપ્લાય અને અન્ય મિલિટ્રી સંસાધનો પણ મોકલવા તૈયાર થયા છે.
જાણો ક્યાં દેશે શું કરી આર્થિક મદદ ?
અમેરિકાએ યુક્રેનને 350 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે. તે સિવાય અમેરિકા એન્ટી-આર્મર સાધનો, નાના હથિયારો અને વિવિધ પ્રકારના દારૂગોળો અને અન્ય વસ્તુઓ મોકલશે.
જર્મની યુક્રેનને 1,000 ટેન્ક વિરોધી શસ્ત્રો, 500 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ (500 સ્ટિંગર મિસાઈલ) મોકલશે. જર્મન ચાન્સેલરે કહ્યું, પુતિનના આક્રમણકારી દળો સામે યુક્રેનને પોતાનો બચાવ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાની અમારી ફરજ છે. એટલા માટે અમે યુક્રેનને 1000 એન્ટિ-ટેન્ક હથિયારો અને 500 સ્ટિંગર મિસાઇલો સપ્લાય કરી રહ્યા છીએ.
યુક્રેનની મદદ માટે બેલ્જિયમ પણ આગળ આવ્યું છે. બેલ્જિયમ રોમાનિયામાં 300 સૈનિકો તૈનાત કરી રહ્યું છે અને યુક્રેનમાં મશીનગન મોકલી રહ્યું છે.ચેક રિપબ્લિકે યુક્રેનને $8.5 મિલિયનના શસ્ત્રો અને દારૂગોળો મોકલવાનું વચન આપ્યું છે. ચેક સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેન મોકલવામાં આવેલા લશ્કરી સામાનમાં મશીનગન, એસોલ્ટ રાઇફલ્સ અને અન્ય હળવા હથિયારોનો સમાવેશ થાય છે.
ઉપરાંત સ્વીડન યુક્રેનને સૈન્ય, તકનીકી અને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે.ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો અને લશ્કરી સાધનો આપવાનું કહ્યું છે. યુકેએ યુક્રેનને લોજિસ્ટિક્સ ઓપરેશનમાં મદદની ઓફર કરી છે.નેધરલેન્ડ યુક્રેનને 200 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ મોકલશે. નેધરલેન્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે યુક્રેનને 200 એર ડિફેન્સ રોકેટ આપવા જઈ રહ્યું છે. આ પહેલા યુક્રેનની મદદ માટે રાઈફલ્સ, રડાર સિસ્ટમ, માઈન ડિટેક્શન રોબોટ સહિત અન્ય ઘણા સાધનો મોકલવામાં આવ્યા છે.પોલેન્ડ રશિયા સાથેની લડાઈમાં યુક્રેનને હથિયાર આપવાનું વચન આપ્યું છે.
28 દેશોએ યુક્રેનને મદદ કરવાનું વચન આપ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે યુએસ-યુકે સહિત 28 દેશોએ હથિયાર આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે આ દેશો અમને રશિયાનો સામનો કરવા માટે શસ્ત્રો અને અન્ય સૈન્ય સાધનો આપશે.