US: બ્રિટન બાદ હવે વધુ એક ભારતીય બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ? આ મહિલાએ આપ્યા સંકેત
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બાદ હવે એક ભારતીય અમેરિકામાં સૌથી શક્તિશાળી પદ પર બેસવાની તૈયારી કરી રહ્યો છે.
America: દુનિયાભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. તે પછી દિગ્ગજ કોર્પોરેટ હાઉસની લિડરશીપ હોય કે પછી રાજનીતિ તમામ ક્ષેત્રે ભારતીયો પોતાનું નામ રોશન કરી રહ્યાં છે. હવે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ એવા અમેરિકામાં પણ વધુ એક ભારતીય મૂળની મહિલા રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બાદ હવે એક ભારતીય અમેરિકામાં સૌથી શક્તિશાળી પદ પર બેસવાની તૈયારી કરી રહ્યો છે.
ભારતીય-અમેરિકન એટલે કે ભારતીય મૂળના રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. અમેરિકાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેનને ટક્કર આપે તેવી અટકળો વહેતી થઈ છે.
એક વાતચીતમાં દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર નિક્કી હેલીએ કહ્યું હતું કે, તેઓ વિચારી રહ્યાં છે કે દેશને નવી દિશામાં લઈ જવા અને અમેરિકી પ્રમુખ બનવા માટે "નવી નેતા" બની શકે છે. જો બાઈડેન ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી મુદત મેળવી લગભગ અશક્ય છે. તેઓ સંભવિત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
51 વર્ષીય નિક્કી હેલીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, હું અહીં કોઈ જાહેરાત નથી કરવાની. જોકે, તેમણે ઈશારામાં જ સંકેત આપતા કહ્યું હતું કે, તે અમેરિકાની નવી નેતા બની શકે છે. હેલીએ વધુમાં કહ્યું હતું કે, ગવર્નર અને એમ્બેસેડર તરીકે તેમણે શાનદાર કામ કર્યું છે. રાજ્યપાલ તરીકે બેરોજગારીને લઈને સંઘર્ષ કરી રહેલા રાજ્યના પડકારને સ્વીકારીને શ્રેષ્ઠ રાજ્ય બનાવ્યું છે.
કોણ છે નિક્કી હેલી?
યુનાઇટેડ નેશન્સ (UN)માં રાજદૂત અને દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલીનો જન્મ 20 જાન્યુઆરી 1972ના રોજ અમેરિકામાં એક ઇમિગ્રન્ટ પંજાબી પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક નામ નિમ્રતા નિક્કી રંધાવા હતું. પાછળથી તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને માઇકલ હેલી નામના અમેરિકન નાગરીક સાથે લગ્ન કર્યા. નિક્કી હેલીના પતિ માઈકલ હેલી આર્મી નેશનલ ગાર્ડમાં કેપ્ટન છે.
બનાવ્યા છે અનેક રેકોર્ડ
હેલીએ નાની ઉંમરમાં જ અનેક રેકોર્ડ બનાવ્યા છે. વર્ષ 2010માં તે લઘુમતી સમુદાયમાંથી પ્રથમ ગવર્નર બન્યા હતાં. આ સાથે અમેરિકાની સૌથી યુવા ગવર્નર બનવાનો રેકોર્ડ પણ હેલીના નામે છે. ત્યારે તે માત્ર 37 વર્ષની હતી. ત્યાર બાદ વર્ષ 2018માં ટ્રમ્પ સાથે કેટલાક મતભેદોને કારણે તેમણે યુએન એમ્બેસેડર પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે તેમ છતાં પણ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રચાર કરશે.