ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકાની પાકિસ્તાનને ફટકાર: 'આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરો, પરિસ્થિતિ વધુ ખરાબ ન કરો'
પાકિસ્તાનના મિસાઈલ હુમલાના નિષ્ફળ પ્રયાસો બાદ ભારતીય જવાબી કાર્યવાહી વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોનું પાકિસ્તાનને સ્પષ્ટ કથન, આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું.

Marco Rubio Pakistan terrorism: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ અને લશ્કરી કાર્યવાહી વધી રહી છે. પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં મિસાઈલ હુમલાના નિષ્ફળ પ્રયાસો બાદ ભારતે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચિંતિત બન્યો છે અને પ્રતિક્રિયા આપી રહ્યો છે. દરમિયાન, અમેરિકા તરફથી પાકિસ્તાનને એક કડક સંદેશ આપવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ફટકાર લગાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
માર્કો રુબિયોએ કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ. આ ઉપરાંત, તેમણે પાકિસ્તાનને પરિસ્થિતિ વધુ ખરાબ ન કરવા માટે પણ કહ્યું છે.
અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં મિસાઈલ અને ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસો બાદ ભારતે પાકિસ્તાન સામે વળતી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાં અને અન્ય સ્થાપનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકા દ્વારા પાકિસ્તાનને આતંકવાદને સમર્થન ન આપવા અને સંયમ જાળવવા માટે કહેવું એ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા દર્શાવે છે કે આ સંઘર્ષ વધુ ન વણસે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને યુદ્ધ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે બદલો લેવાનું શરૂ કર્યું છે, જેના જવાબમાં પાકિસ્તાન પણ આક્રમક બની રહ્યું છે. બંને દેશો વચ્ચે મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટના હુમલા વળતા હુમલા અને સીમા પર ભારે ગોળીબાર જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાંઓ પર કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે અને વળતા હુમલાના પ્રયાસ કરી રહ્યું છે. સંજય મિશ્રાના અહેવાલ મુજબ, ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને જેસલમેર જેવા વિસ્તારોમાં ડ્રોન, મિસાઈલ અને ફાઈટર જેટથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી S 400 અને આકાશે આ તમામ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. એટલું જ નહીં, ભારતીય સેનાએ પાકિસ્તાનના બે ચીની બનાવટના JF 17, અમેરિકન બનાવટના F 16 વિમાન અને AWACS ને તેમની જ સરહદોમાં તોડી પાડ્યા હતા. આ ત્રણેય વિમાનો ભારત પર હુમલો કરવાના ઇરાદાથી આગળ વધી રહ્યા હતા.




















