(Source: ECI/ABP News/ABP Majha)
US-China : ગાઈડેડ મિસાઈલથી સજ્જ અમેરિકી યુદ્ધ જહાજ પર હુમલાની તૈયારીમાં હતું ચીન પણ...
આ મામલે ચીને એક નિવેદનમાં કહ્યું હતું કે, અમેરિકાનું ગાઈડેડ મિસાઈલોથી સજ્જ ક્રુઝ ચાન્સેલર્સવિલ ચીન સરકારની પરવાનગી વગર જ નાંશા દ્વિપમાં પ્રવેશી ગયું હતું.
South China Sea : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકી પ્રમુખ જો બાઈડેન વચ્ચે જી-20 સમિટમાં મુલાકાત યોજાઈ હતી. બંનેની આ મુલાકાત તણાવ ઘટાડવાનો એક પ્રયાસ હતો. પરંતુ મુલાકાત બાદ પણ જાણે તણાવ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યો. જીનપિંગ અને બાઈડનની મુલાકાત દરમિયાન જ ઘટેલી એક ઘટનાએ દુનિયા આખીના શ્વાસ અધ્ધર કરી દીધા હતાં. બંને શક્તિશાળી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત બાદ જ દક્ષિણ ચીન સાગરમાં યુએસ નેવીના યુદ્ધ જહાજે ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન (FONOP)નું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન યુએસ અને ચીની સેના વચ્ચે 'તુ-તુ, મેં-મેં જામી હતી. બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી.
આ મામલે ચીને એક નિવેદનમાં કહ્યું હતું કે, અમેરિકાનું ગાઈડેડ મિસાઈલોથી સજ્જ ક્રુઝ ચાન્સેલર્સવિલ ચીન સરકારની પરવાનગી વગર જ નાંશા દ્વિપમાં પ્રવેશી ગયું હતું. ચીનના જણાવ્યા પ્રમાણે આ બાબત દર્શાવે છે કે, અમેરિકા સાઉથ ચાઈના સીમાં સુરક્ષાને લઈને જોખમ ઉભુ કરનારો છે. મંગળવારે યુએસ નેવીના 7મા ફ્લીટે ચીનના નિવેદનનો પણ વળતો જવાબ આપ્યો હતો. અમેરિકાએ PLAના નિવેદનને જુઠ્ઠાણું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, દક્ષિણ ચીન સાગરમાં ચીન હંમેશા અમેરિકી કાર્યવાહીનું ખોટું અર્થઘટન કરે છે.
મુલાકાત પછી પ્રથમ મુલાકાત
યુએસ નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટમાં જો બાઈડેન અને શી જિનપિંગની મુલાકાત બાદ સાઉથ ચાઈના સીમાં આ પહેલીવાર જ અથડામણ થઈ હતી. બેઠક બાદ બાઈડને કહ્યું હતું કે, શી જિનપિંગ સાથે કેટલીક બાબતે તણાવ ઘટાડવાને લઈને તેમની વાતચીત થઈ હતી, પરંતુ તેઓ દાયકાથી અમેરિકા અને ચીનના સંબંધોને તળીયે લાવી દીધા છે તેવા મુદ્દાઓને હલ કરવા ઈચ્છુક જ નહોતા.
દક્ષિણ ચીન સાગર પર ડ્રેગનનો દાવો
ચીન દક્ષિણ ચીન સાગરના સમગ્ર 2.9 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તાર અને તેની અંદર આવેલા મોટાભાગના ટાપુઓ પર નિર્વિવાદ સાર્વભૌમત્વનો દાવો કરે છે. તેમાં નાંશા ટાપુ સમૂહનો પણ સમાવેશ થાય છે. જ્યારે ફિલિપાઇન્સ અને વિયેતનામ જેવા અમેરિકાના મિત્ર દેશો દક્ષિણ ચાઇના સમુદ્રમાં ઘણા ટાપુઓ પર દાવો કરે છે. તેમાંથી કેટલાક પર તો ચીને પોતાની સેના પણ તૈનાત કરી દીધી છે. પીએલએના સાઉથ થિયેટર કમાન્ડના પ્રવક્તા આર્મી કર્નલ ટિયાન જુનલીએ જણાવ્યું હતું કે, પીએલએ નૌકાદળ અને વાયુસેનાને અમેરિકી યુદ્ધ જહાજોનો પીછો કરવા, મોનિટર કરવા અને તેને દરેક સ્તરે ખદેડી મુકવા માટે સંગઠિત કરવામાં આવ્યા હતાં. આ નિવેદન પરથી સ્પષ્ટ જણાય છે કે, જો જરૂર પડે તો ચીની નૌકાદળ હુમલા માટે પણ તૈયાર હતું.