(Source: ECI/ABP News/ABP Majha)
ચીનના હેનાનમાં જળબંબાકાર, 24 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, 25થી વધુના મોત
મધ્ય ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં અંદાજે 1 હજાર વર્ષમાં પહેલી વખત અસાધારણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે.
ચીનનું હેનાન પ્રાંત કે જ્યાં માત્ર 24 કલાકમાં ખાબક્યો 18 ઈંચ વરસાદ. તો ચીનમાં એક હજાર વર્ષ બાદ ખાબકેલા આ વરસાદના કારણે અત્યાર સુધીમાં 25થી વધુ લોકોના મોત થયા છે.
મધ્ય ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં અંદાજે 1 હજાર વર્ષમાં પહેલી વખત અસાધારણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે આ પ્રાંતના 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તો 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. મૂશળાધાર વરસાદના કારણે પૂરની સમસ્યા સર્જાતા અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ છે. તો 160થી વધારે ટ્રેનને અટકાવી દેવામાં આવી છે.
તો ચીનના પ્રમુખ શી જીનપીંગે પાણીમાં ડૂબેલા સબવે, હોટેલ અને જાહેર સ્થળો પર ફસાયેલા લોકોને બચાવવા માટે સૈન્ય તૈનાત કરી લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપવા સૂચના આપી છે. ચીનના હવામાન વિભાગે હેનાન પ્રાંતમાં થયેલા મૂશળધાર વરસાદ માટે અનેક કારણોને જવાબદાર ગણાવ્યા છે. જેમાં એટમોસ્ફિયરિક પ્રેસર, સંભવિત તોફાન અને તે ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 204.94 મીમી એટલે કે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે.
તો આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. ત્યારે રાજ્યના 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે.
તાપી જિલ્લામાં સરેરાશથી 73 ટકા જ્યારે ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. તો નવ જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે.