શોધખોળ કરો
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
નેપાળમાં ફરી હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહી સ્થાપિત કરવાની માંગણીએ જોર પકડ્યું છે. તાજેતરમાં, પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના કાઠમંડુ પરત ફર્યા બાદ એરપોર્ટ પર હજારો લોકોનું એકઠું થવું આ વાતનો પુરાવો છે.

એરપોર્ટ પર પૂર્વ રાજાના સમર્થનમાં 10,000 થી વધુ લોકોની ભીડ ઉમટી પડી હતી અને રાજાશાહી પાછી લાવવાના નારા લગાવ્યા હતા.
1/6

2008 સુધી નેપાળ વિશ્વનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો, પરંતુ માઓવાદી ચળવળ અને ડાબેરી ક્રાંતિ પછી દેશ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બન્યો હતો. જો કે, હવે નેપાળમાં રાજકીય પરિસ્થિતિમાં ફરી એકવાર પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટી (RPP) જેવી રાજકીય પાર્ટીઓ હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહીના મુદ્દાને ફરીથી ઉઠાવી રહી છે.
2/6

RPPના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રવિન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, નેપાળની વર્તમાન રાજકીય વ્યવસ્થાથી લોકો નારાજ છે અને તેઓ રાજાશાહીના જૂના દિવસોને યાદ કરી રહ્યા છે. નેપાળી જનતા વર્તમાન સરકારથી મોહભંગ થઈ ચૂકી છે અને હવે રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્ર તરફ ઝુકાવ વધી રહ્યો છે.
3/6

પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ બે મહિનાના પોખરાના પ્રવાસ બાદ કાઠમંડુ પરત ફર્યા હતા. તેમના પરત ફરવાના સમાચાર મળતા જ કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમને આવકારવા માટે લોકોનો વિશાળ જનસમુદાય એકઠો થયો હતો. લોકોમાં રાજા પ્રત્યેનો ઉત્સાહ અને પ્રેમ સ્પષ્ટપણે જોવા મળતો હતો. ઘણા લોકો પૂર્વ રાજાને નજીકથી જોવા અને તેમને મળવા માટે ઉત્સુક હતા.
4/6

એવી અટકળો ચાલી રહી છે કે જ્ઞાનેન્દ્ર શાહ ફરીથી રાજકારણમાં સક્રિય થવા માંગે છે અને ઘણા સમયથી તેની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટી (RPP) પણ જ્ઞાનેન્દ્ર શાહને સમર્થન આપી રહી છે, જે દેશમાં હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહીને ફરીથી સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે.
5/6

જ્ઞાનેન્દ્ર શાહને એરપોર્ટથી તેમના નિવાસસ્થાન નિર્મલ નિવાસ પહોંચવામાં અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો, કારણ કે રસ્તામાં તેમના સમર્થકોની ભારે ભીડ જમા થઈ હતી. એરપોર્ટ પર RPPના વરિષ્ઠ નેતાઓ પણ તેમના સ્વાગત માટે હાજર રહ્યા હતા, અને સમગ્ર વિસ્તાર રેલીના માહોલમાં ફેરવાઈ ગયો હતો.
6/6

નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે જો જ્ઞાનેન્દ્ર શાહ રાજકારણમાં જોડાવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે, અને તેઓ બંધારણીય માર્ગે ચૂંટણી લડીને રાજકારણમાં આવી શકે છે.
Published at : 10 Mar 2025 07:15 PM (IST)
આગળ જુઓ
Advertisement