નવી દિલ્હીઃ યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓના ઢોલ વાગતા જ રામમંદિર નિર્માણને લઈને ફરી એક વખત રાજકીય ગરમાવો ઉભો થાય તેવી શકયતા છે. અખિલ ભારતીય સંત સંમેલન અને ધર્મ સંસદમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની તારીખને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય એ છે કે, આ વર્ષના કાર્તિક અક્ષય નવમી (૯ નવેમ્બર)થી મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. ધર્મ સંસદનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે રાજ્યસભામાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ગૃહમા કહ્યુ હતુ કે મંદિર નિર્માણને લઈને કેન્દ્ર સરકારે પોતાનુ વલણ સ્પષ્ટ કરવુ જોઈએ.
2/2
હાલ સિંહસ્થ પરિસરમાં આયોજીત ધર્મ સંસદમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે અનુસાર મંદિર નિર્માણની શરૂઆત રામલલ્લા પરિસરમાં સિંહદ્વાર નિર્માણથી શરૂ થશે. સંતોએ કહ્યુ હતુ કે, રામ મંદિર નિર્માણથી મોદી સરકારને કોઈ લેવા દેવા નથી. મંદિર લોકોના સહકારથી બનશે. ધર્મ સંસદમાં સંત આત્માનંદ, શાસ્વતાનંદ, નરેન્દ્રાનંદ, સુદર્શન મહારાજ, શ્રીમહંત અવધકિશોરદાસ, ચંદ્રોદેવદાસ સહિત મોટી સંખ્યામાં સંતો અને ભકતો હાજર રહ્યા હતા. આ દરમિયાન શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ ન્યાસ અયોધ્યાના અધ્યક્ષ મહંત જન્મેજયશરણ મહારાજે કહ્યુ હતુ કે, રામ જન્મભૂમિ જેને વિવાદીત કહેવામાં આવે છે તે ૭૭ એકર જમીન નિર્મોહી અખાડાની છે. મંદિર નિર્માણ અને જમીનને લઈને અખાડો લડાઈ લડે છે. તેમણે કોર્ટના આદેશનું પાલન કરતા નિર્માણની વાત જણાવી હતી.